
અમદાવાદ,
અમદાવાદમાં થલતેજ વિસ્તારમાં એએમસીના કર્મચારી પર હુમલો કરાયો છે. એએમસીની ટેક્સ ક્લેક્શન ટીમના કર્મચારી પર છરી અને કાચનો ગ્લાસ ફોડી હુમલો કરાયો. મળતી માહિતી મુજબ હુમલો કરનાર વ્યક્તિ નિવૃત આઈએએસ અધિકારી અને પૂર્વ મ્યુનિસિપલ કમિશનર આર. કે. ત્રિપાઠીનો પુત્ર આશિષ ત્રિપાઠી છે. વેરા વસૂલાત મુદ્દે નજીવી માથાકૂટ બાદ એએમસીના કર્મચારી પર હુમલો થયો. આ તમામ દ્રશ્યો મોબાઇલમાં કેદ થયા છે. આ વીડિયો સામે આવ્યા બાદ પોલીસે તત્કાલ કાર્યવાહી શરૂ કરી છે. હુમલો કરનાર આરોપીની પોલીસે અટકાયત કરી છે. તો ભોગ બનનાર કર્મચારીએ બોડકદેવ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
મોટી રકમના વેરા બાકી હોય તેવા શહેરીજનો પાસેથી વેરા વસૂલાતની કડક ઝુંબેશ ચાલી રહી છે. શહેરમાં મેગા ટ્રીગર સીલીંગ ઝુંબેશ શરૂ કરવામાં આવી. જેને લઈ કોર્પોરેશનની ટીમ અલગ અલગ વિસ્તારમાં કામગીરી કરી રહી હતી. સવારે એએમસીની ટીમ ટેક્સની વસુલાત માટે ગઈ હતી. આ ટીમ ઉત્તર પશ્ર્ચિમ ઝોનમાં આવતા રાજપથ ક્લબ રોડ પર પહોંચી હતી. જ્યાં એરોન સ્પ્રેક્ટ્રા નામની બિલ્ડિંગમાં આવેલી એક ઓફિસમાં સીલીંગ ઝુંબેશની કામગીરી ચાલી રહી હતી. ત્યારે ઓફિસના માલિક દ્વારા કોર્પોરેશનના અધિકારી પર છરીથી હુમલો કરાયો હતો.
અમદાવાદના થલતેજ વિસ્તારમાં સવારે ૭ વાગ્યે ટેક્સ ડિપાર્ટમેન્ટના બે કર્મચારી રાકેશભાઇ અને યોગેશભાઇને દ્વારા સીલીંગની કર્મચારી કરવામાં આવી રહી હતી. આજે કુલ ૩૧ સીલ મારવાની કામગીરી સોંપવામાં આવી હતી. જે પૈકી ૩૦ સીલની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી હતી. જે પછી ૩૧મું સીલ કરવા માટે આ બંને કર્મચારી એરોન સ્પ્રેક્ટ્રા નામની બિલ્ડિંગમાં છઠ્ઠા માળે પહોંચ્યા હતા. આ કર્મચારી દુકાનના માલિકની રાહ જોઇ રહ્યા હતા. જે પછી લિટમાંથી દુકાનના માલિક આવીને તરત જ આ બંને કર્મચારી પર હુમલો કર્યો હતો.