બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ તપાસ : મોનિટરિંગ કમિટીને આપવામાં આવેલી સમયમર્યાદામાં બે સપ્તાહનો વધારો

નવીદિલ્હી,

સ્પોર્ટ્સ મિનિસ્ટ્રીએ રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ બ્રિજ ભૂષણ શરણ સિંહ સામેના જાતીય સતામણીના આરોપોની તપાસ અંગેનો અહેવાલ સુપરત કરવા માટે મોનિટરિંગ કમિટીને આપવામાં આવેલી સમયમર્યાદામાં બે સપ્તાહનો વધારો કર્યો છે.

દેશના ટોચના કુસ્તીબાજો દ્વારા કરવામાં આવેલા દાવા બાદ, ૨૩ જાન્યુઆરીના રોજ સુપ્રસિદ્ધ બોક્સર એમસી મેરી કોમના નેતૃત્વમાં એક મોનિટરિંગ કમિટીની રચના કરવામાં આવી હતી. કુસ્તીબાજોએ દાવો કર્યો હતો કે, બ્રિજ ભૂષણે ઘણી મહિલા કુસ્તીબાજોનું જાતીય સતામણી કરી હતી અને ખેલાડીઓને ધમકીઓ આપી હતી.

કુસ્તીબાજોએ જાતીય શોષણના આરોપોનો ભોગ બનેલા કોઈપણ વ્યક્તિના નામ જાહેર કર્યા નથી. કમિટીને ચાર અઠવાડિયામાં રિપોર્ટ આપવાનું કહેવામાં આવ્યું હતું. આ સમિતિ રમતગમત સંસ્થાની રોજિંદી કામગીરીનું પણ ધ્યાન રાખે છે.

સમિતિના સભ્યોની વિનંતી બાદ મંત્રાલયે આ સમયમર્યાદા વધારી દીધી છે અને હવે તે ૯ માર્ચે રિપોર્ટ સબમિટ કરશે. મંત્રાલયના એક સૂત્રએ પીટીઆઈને જણાવ્યું કે, રમત મંત્રાલયે તેમની વિનંતીને પગલે મોનિટરિંગ કમિટીને રિપોર્ટ સબમિટ કરવા માટે વધુ બે અઠવાડિયાનો સમય આપ્યો છે.

બજરંગ પુનિયા, વિનેશ ફોગાટ, રવિ દહિયા અને સાક્ષી મલિક સહિતના ટોચના ભારતીય કુસ્તીબાજોએ નવી દિલ્હીના જંતર-મંતર ખાતે બ્રિજ ભૂષણને ટોચના પદ પરથી હટાવવા અને ઉહ્લૈં ના ભંગની માગણી સાથે વિરોધ પ્રદર્શન કર્યો ત્યારે મંત્રાલયને પેનલની સ્થાપના કરવાની ફરજ પડી હતી. ત્યારપછી બીજેપી સાંસદને જ્યાં સુધી તપાસ પૂરી ન થાય ત્યાં સુધી પદ છોડવાનું કહેવામાં આવ્યું.