
દાહોદ,
દાહોદ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી વાહન ચોરી તેમજ ઘરફોડ ચોરીની ઘટનાઓની સાથે સાથે મોબાઈલ ચોરીની ઘટનાઓ પણ સામે આવતા દાહોદ શહેરમાં વધી રહેલી ગુનાખોરી પોલીસ માટે એક માથાનો દુ:ખાવો સમાન સાબિત થઈ રહી હતી. તેવા સમયે જિલ્લા પોલીસવડાના માર્ગદર્શનમાં દાહોદ એ ડિવિઝન પોલીસે વિશ્ર્વાસ પ્રોજેક્ટ અંતર્ગત દાહોદ શહેરમાં લાગેલા નેત્રમ કેમેરાના મદદથી મોબાઈલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા સાંપડી છે. પોલીસે બાતમીના આધારે ઇન્દોર-અમદાવાદ નેશનલ હાઈવે પર ખાનગી બસ માંથી ચોરીના ત્રણ મોબાઇલ સાથે એક ઈસમને ઝડપી જેલ ભેગો કર્યો છે.

પંચમહાલ જિલ્લાના ગોધરા કબ્રસ્તાન રોડ હયાતની વાડી, હુસેન સ્કૂલની પાછળના રહેવાસી યાસીન ઉર્ફે ઝૂડવા યાકુબ મીઠાબાઈ ચોરીની પ્રવૃત્તિમાં સંકળાયેલો હોઈ ગતરોજ દાહોદ શહેરના ગોધરારોડ ખાતે આવેલી નૂર હાર્ડવેર નામક દુકાનમાં આવ્યો હતો અને ત્યાંથી દુકાનદારની નજર ચૂકવી ત્રણ મોબાઈલની ઉઠાંતરી કરી ફરાર થઈ ગયો હતો. ત્યારબાદ દુકાનદાર દ્વારા આ મામલે એ ડીવીઝન પોલીસ મથકના પી.આઈ. લાઠીયા તેમજ સ્ટાફના માણસો સાથે રાખી દાહોદ શહેરમાં લાગેલા વિશ્ર્વાસ પ્રોજેક્ટ અંતર્ગત નેત્રમ કેમેરાના મદદ થી ઉપરોક્ત ઈસમને ઓળખી ટેકનિકલ સોર્સની મદદથી ઈન્દોર-અમદાવાદ નેશનલ હાઈવે પર હોટલ સતી તોરલ વોચમાં ઉભા રહી ગયા હતા અને તે સમયે દાહોદ થી ગોધરા તરફ જતી ખાનગી બસને રોકાવી બસના અંદરથી મોબાઇલ ચોરી કરનાર ગોધરાના ઉપરોક્ત ઈસમને ચોરીના ત્રણ મોબાઇલ સાથે રંગે હાથ ઝડપી જેલ ભેગો કર્યો હતો.