શહેરા એમ.જી.વી.સી.એલ.ની ટીમ દ્વારા તાલુકાના પશ્ર્ચિમમાં આવેલા 12 જેટલા ગામોમાં 29 ટીમો દ્વારા વીજ ચેકીંગ

  • વિજમીટરોના ચેકીંગ દરમિયાન 117 જેટલા વિજમીટરોમાં ચોરી પકડાતા 22 લાખ ની વીજ ચોરી પકડાઈ.

શહેરા,

શહેરા એમ.જી.વી.સી.એલ.ની ટીમ દ્વારા તાલુકાના પશ્ર્ચિમમાં આવેલા 12 જેટલા ગામોમાં 29 ટીમો વીજ ચેકીંગ ઓચિંતું હાથ ધરવામાં આવ્યું હતું. જ્યારે વિજ મીટરોના ચેકીંગ દરમિયાન 117 જેટલા વિજ મીટરોમાં ચોરી પકડાતા 22 લાખ જેટલી માતબર રકમની વીજ ચોરી પકડી પાડવામાં આવી હતી.

શહેરામાં શુક્રવારની સવારે ગોધરા વર્તુળ કચેરીના અધિક્ષક ઈજનેરની સૂચનાને લઈને એમ.જી.વી.સી.એલ.ના નાયબ કાર્યપાલક ઈજનેર સી.એમ.સિંઘની રાહબરી હેઠળ પશ્ર્ચિમમાં આવેલા રેણા, મોરવા, તરસંગ, સાધરા, ઉજડા, વકતાપુરા, ભૂરખલ, ભાટના મુવાડા, વાડી, નવી વાડી, વલ્લભપુર અને નવા વલ્લભપુર ગામોમાં સવારના 6/30 વાગ્યાથી પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લાની 19 ટીમો અને 10 ટીમો વડોદરા વિજિલન્સની મળી કુલ 29 ટીમો દ્વારા શહેરા પી.આઈ. રાહુલ રાજપુત અને પોલીસ કાફલા તો બીજી તરફ ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ (GUVNL)ની પોલીસ સાથે રહેણાંક મકાનોના વિજ મીટરોનું ચેકીંગ હાથ ધરાયું હતું. જેમાં 117 જેટલા વીજ મીટરોમાં ગેરરીતિ પકડાતા અંદાજિત 22 લાખ રૂપિયાની વીજચોરી પકડી પાડવામાં આવી હતી. વીજચોરી પકડાતા થોડીવાર માટે તો અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અત્રે નોંધનીય છેકે, 22 લાખ રૂપિયા જેટલી માતબર રકમની વીજચોરી ઝડપાતા એમ.જી.વી.સી.એલ.ને આ પહેલા કેટલું મોટું આર્થિક નુકશાન સહન કરવાનોવારો આવ્યો હશે ! 12 ગામોમાં એમ.જી.વી.સી.એલ દ્વારા સર્જીકલ સ્ટ્રાઈક કરવામાં આવતા રહેણાંક મકાનોમાં વિજમીટર થકી વીજચોરી કરતા લોકોમાં ફફડાટ ફેલાયો જોવા મળ્યો હતો. તમામ 117 જેટલા વિજગ્રાહકો કે જે વિજચોરીમાં પકડાયા હતા. તેઓ પાસેથી સ્થળ પર જ વીજ દંડ વસુલવામાં આવ્યો હતો.