હજારો ખાલિસ્તાની સમર્થકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ:અમૃતસરમાં સમર્થકોએ બંદૂક-તલવાર લઈને પોલીસ સ્ટેશનને ઘેર્યું, સાથીની ધરપકડનો વિરોધ કર્યો

અમૃતસર,

પંજાબમાં ખાલિસ્તાન સમર્થક સંગઠન ’વારિસ પંજાબ દે’ના પ્રમુખ અમૃતપાલ સિંહના સાથી તૂફાન સિંહની ધરપકડના વિરોધમાં તેમના સમર્થકો રસ્તા પર ઊતરી આવ્યા છે. હજારોની સંખ્યામાં રોષે ભરાયેલા લોકોએ બંદૂક, તલવાર અને લાકડીઓ લઈને અમૃતસરમાં પોલીસ સ્ટેશનને ઘેરી લીધું છે. પોલીસે તેમને રોકવા માટે બેરિકેડ લગાવ્યા તો તેઓ બેરિકેડ તોડીને પોલીસ સ્ટેશનની અંદર ઘૂસી ગયા.

અમૃતપાલે જ પોતાના સમર્થકોને ગુરુવારે સવારે ૧૧ વાગ્યે અજનાલા પહોંચવા કહ્યું હતું. ત્યાર પછી ત્યાં ભીડ એકઠી થઈ ગઈ. ઘટનાની ગંભીરતાને યાનમાં રાખીને પોલીસ પણ સક્રિય થઈ ગઈ અને અમૃતપાલ પહોંચે તે પહેલાં જ તેમના સમર્થકોને ઉપાડવાનું શરૂ કરી દીધું. જેથી માહોલ ગરમાયો હતો.હોબાળાની સૂચના મળતા જ અમૃતપાલ અજનાલા પહોંચી ગયો. ત્યાં એસએસપી સતિંદર સિંહ સાથે મિટિંગ કરી. ત્યાર પછી તૂફાન સિંહને છોડવા માટે એક કલાકનો સમય આપવામાં આવ્યો. આ દરમિયાન તે પોલીસ સ્ટેશનની બહાર જ ઊભા રહ્યા.

અમૃતસરના અજનાલા પોલીસ સ્ટેશનમાં અમૃતપાલ, તેમના સાથી તૂફાન સિંહ સહિત કુલ ૩૦ લોકો વિરુદ્ધ કેસ દાખલ છે. આ લોકોએ અમૃતપાલ વિરુદ્ધ સોશિયલ મીડિયા પર ટિપ્પણી કરનાર યુવકને કિડનેપ કરી તેને માર માર્યો હતો. આ જ કેસમાં તૂફાન સિંહની ધરપકડ કરવામાં આવી હતી. જેનાથી અમૃતપાલ રોષે ભરાયો અને ગુરુવારે અમૃતસરમાં અજનાલા પોલીસ સ્ટેશનની બહાર પ્રદર્શન કર્યું.

પોલીસે ભીડ પર કાર્યવાહી દરમિયાન એક યુવકને પકડ્યો હતો. પોલીસ તેને ઢસડીને ગાડીમાં બેસાડવાની હતી ત્યારે એસએસપી સતિંદર સિંહ ત્યાં પહોંચ્યા. તેમણે યુવકને વોર્નિંગ આપી છોડી દીધો. યુવકે જણાવ્યું કે તે અમૃતપાલ સિંહના આહ્વાન પર ત્યાં પહોંચ્યો હતો. તેના તરફથી કોઈ હરક્ત કરવામાં આવી ન હતી, છતાં પોલીસે તેની ધરપકડ કરવાના પ્રયત્ન કર્યા.

થોડા દિવસો પહેલાં ૧૫ ફેબ્રુઆરીની રાત્રે અજનલા પહોંચેલા ચમકૌર સાહિબના બરિન્દર સિંહનું કેટલાક લોકોએ અપહરણ કર્યું હતું. બરિન્દર સિંહ પર જંડિયાલા ગુરુ પાસે મોટર પર હુમલો કરવામાં આવ્યો હતો, જ્યાં અમૃતપાલ સિંહ પણ હાજર હતા. જેની ફરિયાદ પર અમૃતપાલ અને તેના સમર્થકો વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો.