મુર્ઘોબ,
તાઝિકિસ્તાનમાં શક્તિશાળી ભૂકંપના આંચકાનો અનુભવ થયો છે. આ ભૂકંપની રિક્ટર સ્કેલ પર તિવ્રતા ૬.૮ ની આંકવામાં આવી છે. ભૂકંપનું કેન્દ્ર તાઝિકિસ્તાનના મુર્ઘોબના ૬૭ કિલોમીટર પશ્ર્ચિમમાં હતું. યુએસ જિયોલોજિકલ સર્વે મુજબ આ ભૂકંપ ખુબ શક્તિશાળી હતો. તાઝિકિસ્તાન અને ચીનના આંતરિયાળ પશ્ર્ચિમ સરહદ પર શિનજિયાંગ પ્રાંતમાં ગુરુવારે સવારે જમીન ધ્રુજી ઉઠી. આ ભૂકંપનું કેન્દ્ર ૨૦ કિલોમીટર ઊંડે હતું. મળતી માહિતી મુજબ આ વિસ્તાર બહુ વસ્તીવાળો નથી.
અફઘાનિસ્તાનમાં ભૂકંપ સવારે ૬.૦૭ મિનિટ પર અનુભવાયો. ભૂકંપનું કેન્દ્ર ફેઝાબાદથી ૨૬૫ કિલોમીટર દૂર છે.સુત્રોના જણાવ્યાં મુજબ તાઝિકિસ્તાનમાં સવારે ૬.૦૭ વાગે ૬.૮ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો. ચીન સાથે જોડાયેલા સરહદ પાસે ભૂકંપની અસર જોવા મળી. બીજી બાજુ ચીન ભૂકંપ નેટવર્ક સેન્ટરે કહ્યું કે ભૂકંપની તીવ્રતા ૭.૨ની હતી અને તેની ઊંડાઈ જમીનથી ૧૦ કિલોમીટર નીચે હતી. જો કે વિવિધ ભૂકંપ એજન્સીઓ દ્વારા શરૂઆતના ભૂકંપના માપ અલગ અલગ હોઈ શકે છે. ભૂકંપ અંગે હજુ વધુ જાણકારી મળી શકી નથી. જો કે ભૂકંપ ખુબ શક્તિશાળી છે. એવી આશંકા છે કે તેનાથી મોટા પાયે જાનમાલનું નુક્સાન થઈ શકે છે.
તુર્કીના એન્ટીઓકમાં ગુરુવારે સ્થાનિક સમય મુજબ સવારે ૪.૪૨ વાગે ભૂકંપના ઝટકા મહેસૂસ થયા. ભૂકંપની તીવ્રતા ૪.૨ની જોવા મળી. આ અગાઉ આ જ મહિને તુર્કી અને સીરિયામાં ભૂકંપે ખુબ તબાહી મચાવી છે. તુર્કી અને સીરિયામાં ૬ ફેબ્રુઆરીના રોજ ૭.૮ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. બંને દેશમાં અત્યાર સુધીમાં ૪૬ હજારથી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે. એકલા તુર્કીમાં ભૂકંપથી ૨ લાખથી વધુ એપાર્ટમેન્ટ તબાહ થયા. ભૂકંપમાં ભારત તરફથી તુર્કીમાં મદદ માટે એનડીઆરએફ, ડોક્ટરોની ટુકડી, દવાઓ, રાહત સામગ્રી મોકલવામાં આવી હતી. જેને ત્યાં મન દઈને કામ કર્યું અને સમગ્ર દુનિયામાં પોતાના કામ થકી પ્રશંસા મેળવી.