- આર એન્ડ બી અને પાલિકા અધિકારીઓને ડીઝાઈનને લઈ અટવાયેલ અન્ડર બ્રીજની કામગીરી પુરી કરવા નવી ડીઝાઈન બનાવવા સુચન.
- રાજ્ય સરકાર દ્વારા શહેરા ભાગોળ અન્ડર બ્રીજ માટે ગ્રાન્ટ પણ ફળવાઈ હતી પરંતુ ડીઝાઈનને લઈ કામગીરી થઈ શકી નહિ.
- શહેરા ભાગોળ રેલ્વે ફાટક પણ અન્ડર બ્રીજ બને તો લોકોને ખૂબ રાહત થાય અને ટ્રાફિકની સમસ્યા હળવી બને.
ગોધરા,
ગોધરા નગરના શહેરા ભાગોળ રેલ્વે ફાટક ભુરાવાવ વિસ્તાર તેમજ ગ્રામ્ય વિસ્તારોને બજાર સાથે જોડતા મુખ્ય માર્ગ છે. શહેરા ભાગોળ રેલ્વે ફાટક મુંબઈ-દિલ્હી રેલ્વે લાઈન ઉપર આવેલ હોવાથી આ રેલ્વે ટ્રેક ઉપર દિવસ દરમ્યાન હજારો ટ્રેનોની અવર-જવર રહેતી હોય છે.જેને લઈ રેલ્વે ફાટક બંધ રહેતી હોય તેને લઈ ટ્રાફિકની ભારે સમસ્યા જોવા મળી રહી છે. શહેરા ભાગોળ રેલ્વે ફાટકના સ્થાને અન્ડર બ્રીજ માટે રેલ્વે વિભાગમાં અવારનવારની રજુઆતો બાદ મંજુર પણ આપી દેવામાં આવી હતી. તેમ છતાં અન્ડર બ્રીજની ડીઝાઈનને લઈને આ પ્રોજેકટ અટવાઈ પડયો છે. જેને લઈ પંચમહાલ જીલ્લા કલેકટર દ્વારા આર એન્ડ બી વિભાગના ઈજનેરો તેમજ પાલિકાના ઉચ્ચ અધિકારીઓ સાથે રાખી ગત રોજ શહેરા ભાગોળ ફાટકની મુલાકાત લીધી હતી અને ટ્રાફિકની સમસ્યાના કાયમી ઉકેલ માટે અટવાઈ પડેલ રેલ્વે અન્ડર બ્રીજના કામગીરીની સમીક્ષા કરી હતી, તેમજ જે રેલ્વે અન્ડર બ્રીજની કામગીરી ડીઝાઈનને લઈ અટવાઈ છે. તે ડીઝાઈન સુધારવાની કામગીરી પુરી કરી મંજુરી મેળવવાના સુચનો કરવામાં આવ્યા છે.
ગોધરા શહેરનો પ્રતિદિન થઈ રહેલી વિકાસની સાથે શહેરા ભાગોળ થી મુખ્ય બજાર સુધીનો વિસ્તાર તેમજ ભુરાવાવ થી એસ.આર.પી. નગર સુધી સાંપા રોડ ગોવિંદી સુધી રામનગર એસ.ટી.નગર સુધીના તમામ વિસ્તારોના લોકોની અવરજવાર માટે શહેરા ભાગોળ રેલ્વે ફાટકવાળા માર્ગ રહીશો માટે સુવિધાજનક રહે છે. શહેરા ભાગોળ ફાટક મુંબઈ-દિલ્હી મુખ્ય રેલ્વે લાઈનને જોડતો ટ્રેક હોવાને લઈ દિવસ દરમ્યાન હજાર ટ્રેનોની અવરજવર રહેતી હોય છે. જેને લઈ મોટાભાગે રેલ્વે ફાટક બંધ રહે છે. ટ્રેન પસાર થયા બાદ માંડ માંડ પાંચ મીનીટ માટે ફાટક ખુલતી અને બંધ થતી હોવાને લઈ આ ફાટક વિસ્તારના શહેરા ભાગોળ પેટ્રોલ પંપ અને પાવર હાઉસ તરફના ભાગે વાહનોની લાંબી કતારો જોવા મળે છે. આમ ફાટક બંધ રહેવાને લઈ ટ્રાફિકની ભારે સમસ્યા રહેતી હોય છે. શહેરા ભાગોળ રેલ્વે ફાટકના સ્થાને ઓવર બ્રીજ કે અન્ડર બ્રીજ બનાવવામાં આવે તેવી રાજકીય પક્ષોના આગેવાનો દ્વારા અવારનવાર કરવામાં આવી હતી. જેને લઈ ગોધરા શહેરા ભાગોળ રેલ્વે ફાટકના સ્થાને રેલ્વે અન્ડર બ્રીજ બનાવવાની મંજુરી રેલ્વે વિભાગ દ્વારા આપવામાંં આવી હતી. રેલ્વે બ્રીજની મંંજુરી મળતા રાજ્ય સરકાર દ્વારા અન્ડર બ્રીજના માટે ગ્રાન્ટ પણ ફાળવી દેવામા આવી હતી.
પરંતુ રેલ્વે વિભાગ દ્વારા અન્ડર બ્રીજની કામગીરી ડીઝાઈનને લઈ અટકાવી હતી. અને નવેસર થી અન્ડર બ્રીજની ડીઝાઈન તૈયાર કરવા માટે નગર પાલિકામાં મોકલી આપવામાં આવી હતી. જેની આજદિન સુધી નગર પાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવી કે કેમ તે જાણી શકાયું નથી. ગોધરા શહેરા ભાગોળ રેલ્વે ફાટક ખાતે ટ્રાફિકની ભારે સમસ્યાના પ્રશ્ર્નને લઈ જીલ્લા કલેકટર દ્વારા શહેરા ભાગોળ ફાટકની મુલાકાત આર એન્ડ બી વિભાગના ઈજનેરો અને પાલિકાના અધિકારીઓ સાથે રાખીને લીધી હતી અને શહેરા ભાગોળ રેલ્વે અન્ડર બ્રીજની કામગીરી જે ડીઝાઈનને લઈ અટવાઈ ને ખોરંભે ચડી છે. તેનો ઉકેલ લાવવાના પ્રયત્નો હાથ ધર્યા છે. જીલ્લા કલેકટર દ્વારા આર એન્ડ બી ઈજનેરો તેમજ નગર પાલિકાના અધિકારીઓને શહેરા ભાગોળ રેલ્વે અન્ડર બ્રીજની ડીઝાઈન નવેસરથી નકશો તૈયાર કરી રેલ્વે વિભાગની મંજુરી મેળવીને રેલ્વે અન્ડર બ્રીજની કામગીરી વહેલી તકે પુરી કરવામાં આવે તે દિશામાં સુચનો કર્યા છે.