નવીદિલ્હી,
કર્ણાટક હિજાબ વિવાદ કેસ પર સુપ્રીમ કોર્ટનો અંતિમ નિર્ણય આવી શક્યો નથી. આ મામલે સુપ્રીમ કોર્ટના બંને જજોનો અભિપ્રાય અલગ-અલગ હતો. હવે કોર્ટનું કહેવું છે કે ટૂંક સમયમાં જ આ મામલાની સુનાવણી માટે ૩ જજોની બેંચની રચના કરવામાં આવશે. આ કેસ કર્ણાટક દ્વારા કોલેજ કેમ્પસમાં મુસ્લિમ વિદ્યાથનીઓ પર હિજાબ પહેરવા પર પ્રતિબંધ સાથે સંબંધિત છે. બુધવારે (૨૨ ફેબ્રુઆરી) એક વકીલે ચીફ જસ્ટિસ સમક્ષ કેસ મૂક્તા કહ્યું કે ૯ માર્ચથી શરૂ થનારી પરીક્ષામાં છોકરીઓને હિજાબ પહેરીને બેસવાની છૂટ આપવી જોઈએ. તેના પર ચીફ જસ્ટિસે કહ્યું કે આ માટે બેન્ચની રચના પર વિચાર કરવામાં આવશે. આ પહેલા પણ સુપ્રીમ કોર્ટે આ મામલે ૧૦ દિવસ સુધી સુનાવણી કરી હતી, પરંતુ જજોના મતના મતભેદને કારણે નિર્ણય લઈ શકાયો ન હતો.
આ બાબતનો ઉલ્લેખ વરિષ્ઠ વકીલ મીનાક્ષી અરોરાએ ૨૩ જાન્યુઆરીએ કર્યો હતો. તેમણે કોર્ટને કહ્યું કે આ મહિને પ્રેક્ટિકલ પરીક્ષાઓ નક્કી કરવામાં આવી હતી, જેના માટે કેસથી પ્રભાવિત મુસ્લિમ વિદ્યાર્થીઓએ હાજર થવું પડ્યું હતું. આ મામલે વચગાળાના નિર્દેશોની જરૂર હતી, જેથી અસરગ્રસ્ત વિદ્યાર્થીનીઓ પરીક્ષામાં બેસી શકે. તે સમયે પણ કોર્ટે અરજદારોને ખાતરી આપી હતી કે ત્રણ જજની બેન્ચ આ મામલાની સુનાવણી માટે ટૂંક સમયમાં તારીખ નક્કી કરશે.
કર્ણાટક હાઈકોર્ટે ૧૧ દિવસની લાંબી સુનાવણી બાદ હિજાબ મુદ્દે પોતાનો ચુકાદો આપ્યો હતો. આ નિર્ણયમાં સ્પષ્ટતા કરવામાં આવી હતી કે ઇસ્લામમાં હિજાબ જરૂરી નથી. તે ઇસ્લામિક પરંપરાનો ભાગ નથી. શૈક્ષણિક સંસ્થાઓમાં યુનિફોર્મ પહેરવાનું ફરજિયાત બનાવવું ઠીક છે. વિદ્યાર્થીઓ તેને નકારી શકે નહીં, પરંતુ હિજાબ ફરજિયાત ન હોવો જોઈએ.