મુંબઇ,
મહારાષ્ટ્રમાં મુખ્ય સરકારી ભરતી કમિશન ‘મહારાષ્ટ્ર પબ્લિક સર્વિસ કમિશન’ તેના નવા અભ્યાસક્રમ અને પરીક્ષા પેટર્નને કારણે હાલ ચર્ચામાં છે. એમપીએસસી નવા સિલેબસ, પરીક્ષા પેટર્ન ૨૦૨૩ થી જ લાગુ કરવા જઈ રહી છે. જો કે બીજી તરફ સ્પર્ધાત્મક પરીક્ષાના ઉમેદવારો તેનો વિરોધ કરી રહ્યા છે. હવે મહારાષ્ટ્ર સરકાર પણ આ ઉમેદવારોની સાથે ઉભી છે. મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે રાજ્ય સરકારે મહારાષ્ટ્ર પબ્લિક સર્વિસ કમિશનને આ વર્ષથી તેની પરીક્ષાઓના અભ્યાસક્રમ અને એમપીએસસી પેટર્નમાં ફેરફાર કરવાના નિર્ણય પર પુનર્વિચાર કરવુ જોઈએ. જો કમિશન મનમાની કરશે તો સરકાર કોર્ટમાં પણ જઈ શકે છે.
આ વર્ષથી નવી એમપીએસસી પરીક્ષા પેટર્ન લાગુ કરવાના કમિશનના નિર્ણય સામે ઉમેદવારો આંદોલન કરી રહ્યા છે. વિદ્યાર્થીઓનું કહેવું છે કે એમપીએસસીએ ૨૦૨૫ સુધી આ નવી પોલીસિનો અમલ ૨૦૨૫ સુધી મુલતવી રાખવો જોઈએ. કારણ કે તેઓ હજુ નવા અભ્યાસક્રમ હેઠળની પરીક્ષા માટે તૈયાર નથી.વધુમાં ફડણવીસે કહ્યુ હતુ કે એમપીએસસી એક સ્વાયત્ત સંસ્થા છે અને રાજ્ય સરકાર તેને નિર્દેશ આપી શક્તી નથી. પરંતુ કમિશને રાજ્ય સરકારના અગાઉના પત્રનો જવાબ આપ્યો અને જાણ કરી કે તેના સભ્યોનું માનવું છે કે અભ્યાસક્રમ આ વર્ષથી જ અમલમાં મૂકવો જોઈએ.જેથી આના પર પુન: વિચારણા જરૂરી છે.
હાલ રાજ્ય સરકાર અને એમપીએસસી આમને-સામને આવી ગયા છે. ફડણવીસે કહ્યું,’અમે તેમને કહ્યું કે કોઈ નવા અભ્યાસક્રમનો વિરોધ નથી કરી રહ્યુ પરંતુ માંગ છે કે તેનો અમલ ૨૦૨૫ થી થવો જોઈએ. મુખ્યમંત્રીએ મહારાષ્ટ્ર પબ્લિક સર્વિસ કમિશનને બીજો પત્ર મોકલીને તેમના નિર્ણય પર પુનર્વિચાર કરવા જણાવ્યું છે. મને ખાતરી છે કે તેઓ પુનર્વિચાર કરશે. પરંતુ જો તેઓ આમ નહીં કરે તો રાજ્ય સરકારે કોર્ટમાં જવા જેવા વિકલ્પો વિશે વિચારવું પડશે. કારણ કે આપણે વિદ્યાર્થીઓની સાથે ઊભા રહેવાનું છે. અમે તેમને નિરાશ કરી શક્તા નથી,તેઓ આપણું ભવિષ્ય છે. એમપીએસસી મહારાષ્ટ્રમાં સરકારી નોકરીઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓનું આયોજન કરે છે. આયોગે ઓબ્જેક્ટિવને બદલે ડિસ્ક્રિપટિવ પેટર્ન અપનાવવાનું નક્કી કર્યું છે. જેનો વિદ્યાર્થીઓ વિરોધ કરી રહ્યા છે.