હાલોલ,
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પાવાગઢ આવીને મહાકાલી મંદિરમાં નવનિર્મિત શિખર મંદિર પર ધજા આરોહણ કર્યા બાદ પાવાગઢ દર્શનાર્થે ભકતો ઉમટી રહેલ છે ત્યારે કેટલીક પ્રાથમિક જરૂરિયાતો સહિત લાઈટ સુવિધા નહિ હોવાથી ભકત સમુદાય દુ:ખની લાગણી વ્યકત કરે છે.
મહાશિવરાત્રિ અને શનિ અને રવિવારે યાત્રાળુઓનો ધસારો ખુબ હતો ત્યારે પાવાગઢ તળેટીથી માંચી હવેલી તેમજ માંચી હવેલીથી માઉન્ટ સુધીના પગપાળા રસ્તા પરની સ્ટ્રીટ લાઈટો છેલ્લા ધણા સમયથી બંધ છે. જેમાં પાવાગઢ તળેટીથી માંચી હવેલી સુધીની સ્ટ્રીટ લાઈટોની વ્યવસ્થાની જવાબદારી ગ્રામ પંચાયતની છે. તથા માંચી હવેલીથી માઉન્ટ સુધીના રસ્તાની લાઈટોની વ્યવસ્થા મંદિર ટ્રસ્ટે કરવાની હોય છે. પણ હાલ બંને સંસ્થાઓ નિષ્ફળ નીવડી હોય તેવુ જણાઈ રહ્યુ છે. અને તેનો ભોગ યાત્રાળુઓ બની રહ્યા છે. અને યાત્રાળુઓ મુશ્કેલી ભોગવી રહ્યા છે. હાલ પાવાગઢ ગ્રામ પંચાયતની ચુંટણીની મુદ્દત પુર્ણ થયેલ હોઈ છેલ્લા દસેક માસથી વહીવટદારની નિમણુંક થયેલ હોય હાલના વહીવટદાર તથા મંદિર ટ્રસ્ટીઓ તાકિદે સ્ટ્રીટ લાઈટો ચાલુ કરવા રસ દાખવે એ પાવાગઢ આવતા અને ખાસ કરીને પગપાળા આવતા જતા યાત્રાળુઓ માટે ખુબ જ જરૂરી છે.