બીજીંગ,
રશિયા-યુક્રેન યુદ્ધને એક વર્ષ પૂરું થવાના માત્ર ૪ દિવસ પહેલા જ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન સોમવારે અચાનક કીવ પહોંચ્યા હતા. બાઈડેને કીવ પહોંચીને રશિયાને કડક સંદેશ આપ્યો છે. તેમણે કહ્યું, ’હું આજે રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીને મળવા કીવ આવ્યો છું. અમે તેમની સાથે છીએ તે કહેવા આવ્યો છું.’
બાઈડેનની મુલાકાત પર વિશ્ર્વભરમાંથી પ્રતિક્રિયાઓ આવી રહી છે. ચીનના વિદેશ મંત્રી કિન ગેંગે કહ્યું- કેટલાક દેશ આગમાં ઘી નાખવાનું કામ કરી રહ્યા છે. તેને તાત્કાલિક બંધ કરવું જોઈએ. તેનાથી યુદ્ધ ખતરનાક અને નિયંત્રણ બહાર થઈ રહ્યું છે.
બાઈડેનની કીવ મુલાકાત અંગે રશિયાએ હજુ સત્તાવાર રીતે કોઈ નિવેદન આપ્યું નથી. જો કે આ મુલાકાતથી ત્યાંના સૈન્ય નિષ્ણાતો અને મીડિયામાં ભારે હલચલ મચી ગઈ છે.રિપોર્ટ મુજબ પ્રખ્યાત રશિયન પત્રકાર સર્ગેઈ મરદને ટેલિગ્રામ ચેનલ પર લખ્યું છે કે, બાઈડેનનું કીવમાં હોવું રશિયા માટે શરમજનક છે. બહાદુરીની વાતો માત્ર બાળકો માટે છોડી દેવી જોઈએ.
રશિયાની ફેડરલ સિક્યોરિટી સર્વિસના પૂર્વ અધિકારી ઇગોર ગિરકિને બાઈડેનને દાદા કહ્યા હતા. તેમણે કહ્યું કે યુદ્ધના મેદાનમાં આવ્યા બાદ પણ તે સુરક્ષિત રીતે પરત ફરી શકે તે આશ્ર્ચર્યજનક નથી. તેમને ઉશ્કેરવા સિવાય બીજું કશું જ આવડતું નથી.
રશિયન સૈન્ય અધિકારીઓ દ્વારા સંચાલિત ટેલિગ્રામ ચેનલમાં એક અધિકારીએ લખ્યું હતું કે, બાઈડેન પુતિન પહેલાં જ કીવ પહોંચી ગયા હતા. યુદ્ધનું એક વર્ષ પૂર્ણ થવાનું છે. અમે કીવમાં અમેરિકાના નહીં પણ રશિયાના રાષ્ટ્રપતિને જોવા માગીએ છીએ.
કીવમાં રહેતી ઇન્ના રોમાનિઉકે રોઇટર્સને જણાવ્યું હતું કે, બાઈડેનની મુલાકાત ઘણી સારી હતી. છેવટે અમારા સાથીદારો સાબિત કરી રહ્યા છે કે તેઓ અમારી સાથે છે. મને પહેલા અમેરિકા પર શંકા હતી પરંતુ તેમણે તેમની મિત્રતા સાબિત કરી. બીજી તરફ કીવમાં રહેતા યુરીનું માનવું છે કે બાઈડેને ટૂંક સમયમાં જાહેરાત કરવી જોઈએ કે તેઓ અમને એફ-૧૬ જેટ આપવાના છે.
રશિયાના રાષ્ટ્રપતિ પુતિન આજે દેશના લોકોને સંબોધિત કરશે. એવી આશંકા સેવાઈ રહી છે કે આ સંબોધનમાં તેઓ બાઈડેનની યુક્રેન મુલાકાતનો ઉલ્લેખ કરશે. પુતિને અગાઉ પણ અમેરિકા અને પશ્ર્ચિમી દેશો પર યુક્રેનને ઉશ્કેરવા અને યુદ્ધને લંબાવવા માટે હથિયાર આપવાનો આરોપ લગાવ્યો છે.