ઝારખંડના લોહરદગામાં હાથીનો આતંક, ૨૪ કલાકમાં ૫ લોકોને મોતને ઘાટ ઉતાર્યા

લોહરદગા,

ઝારખંડના લોહરદગા જિલ્લામાં, છેલ્લા ૨૪ કલાકમાં બે અલગ-અલગ ઘટનાઓમાં હાથીઓના હુમલામાં એક વૃદ્ધ વ્યક્તિ સહિત ચાર લોકોના મોત થયા છે. વન વિભાગના એક અધિકારીએ આ માહિતી આપી. અધિકારીએ જણાવ્યું કે, સોમવારે હાથીના હુમલામાં ત્રણ લોકોના મોત થયા હતા જ્યારે રવિવારે એક મહિલાનું મોત થયું હતું.ફોરેસ્ટ ગાર્ડ કિશોર કુમારે જણાવ્યું કે, “જંગલી હાથીઓનો આતંક ઘણો વધી ગયો છે. વનકર્મીઓએ લોકોને હાથીઓથી દૂર રહેવાની સલાહ આપી છે.

લોહરદગાના ડિવિઝનલ ફોરેસ્ટ ઓફિસર અરવિંદ કુમારે જણાવ્યું હતું કે, ત્રણ વ્યક્તિઓ, જેમની ઓળખ લાલમન મહતો (૬૦), નેહા કુમારી (૧૮) અને ઝાલો ઓરાઓન (૨૭) તરીકે થઈ હતી, સોમવારે હાથીના હુમલામાં મૃત્યુ પામ્યા હતા. કુમારે જણાવ્યું કે, તેના ટોળાને છોડ્યા પછી, હાથી જિલ્લાના ગામમાં ઘૂસી ગયો અને સવારે નિયમિત કામ માટે બહાર ગયેલા લોકો પર હુમલો કર્યો, જેના કારણે તેમનું મૃત્યુ થયું.

અધિકારીએ કહ્યું કે હાથી હાલમાં ઝાડીઓમાં છુપાયેલો છે અને તેને કાબૂમાં લેવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. અધિકારીએ જણાવ્યું કે આ પહેલા રવિવારે સાંજે નજીકના કુડુ વિસ્તારમાં એક ૫૦ વર્ષીય મહિલાને હાથીએ કચડીને મારી નાખી હતી.

બીજી તરફ ફોરેસ્ટ ગાર્ડ કિશોર કુમારે જણાવ્યું કે, “જંગલી હાથીઓનો આતંક ઘણો વધી ગયો છે. લોકોને જોઈને હાથી મારવા દોડે છે. પોલીસ વિભાગ હાથીને ભગાડવાનો પ્રયાસ કરી રહ્યું છે. અમે ૨ ટીમોને બોલાવી છે.

મહત્વની વાત એ છે કે, ઝારખંડના ઘણા જિલ્લાઓમાં હાથીઓનો આતંક યથાવત છે. લોહરદગા જિલ્લાના ચંદવાના દૂરના વિસ્તારોમાં જંગલી હાથીઓએ ભારે હાહાકાર મચાવ્યો છે. શનિવારે મોડી રાત્રે બોડા પંચાયતના ડુમરચુઆનમાં હાથીઓએ એક મહિલાની હત્યા કરી હતી. અન્ય એક મહિલાને કચડી નાખવામાં આવી હતી, જેના કારણે તે ગંભીર રીતે ઘાયલ થઈ હતી. એક ગ્રામજનોએ જણાવ્યું કે, હાથી સવારે લગભગ ૫ વાગે ગામમાં ઘુસ્યો હતો. ધુમ્મસને કારણે વિઝિબિલિટી ઘણી ઓછી હતી, તેથી હાથી જોઈ શકાતો નહોતો. તે સમયે મોટાભાગના લોકો શૌચક્રિયા માટે ગયા હતા. પછી હાથીએ હુમલો કર્યો. જ્યારે લોકોની ચીસોનો અવાજ આવ્યો ત્યારે ખબર પડી કે હાથીએ હુમલો કર્યો છે.