હિંમતનગર,
ભિલોડા પોલીસ સ્ટેશનમાં એએસઆઈ તરીકે ફરજ બજાવતા વિનોદભાઇ સુવેરાએ દેશી દારૂના ગુનામાં જામીન આપવાનું કહીને બુટલેગર પાસેથી રૂ. ૩૦૦૦ લાંચની માગણી કરતાં બુટલેગરે આ કેસમાં અરવલ્લી એસીબીને ફરિયાદ કરતાં ભિલોડા પોલીસ સ્ટેશનમાં લાંચિયા એએસઆઇને ઝડપી પાડવા છટકું ગોઠવતા છટકામાં લાંચિયો પોલીસ કર્મી વિનોદભાઈ ખાતરાભાઈ સુવેરા અનાર્મ એ.એસ.આઇ ભિલોડા પોલીસ સ્ટેશનમાં એસીબીના હાથે રંગે હાથે ઝડપાઈ જતાં લાંચિયા કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો હતો.
ભિલોડા તાલુકામાં થોડા સમય અગાઉ દારૂના ગુના હેઠળ ભિલોડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. આ કેસમાં પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અનાર્મ એએસઆઈ વર્ગ-૩ બીટ નંબર -૨ ભિલોડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા વિનોદભાઈ ખાતરાભાઈ સુવેરાએ બુટલેગરે ભિલોડા પોલીસ સ્ટેશનમાં બોલાવ્યો હતો અને દારૂના ગુનામાં કેસ કરેલ હોય અને તેના જામીન આપવા રૂ. ૩૦૦૦ ની માગણી કરતાં બુટલેગર લાંચની રકમ આપવા માંગતા ન હોય અને તેઓ નારાજ થઈને અરવલ્લી જિલ્લા એસીબીમાં ફરિયાદ કરી હતી. ફરિયાદના આધારે એસીબીએ લાંચિયા પોલીસકર્મીને ઝડપી પાડવા માટે ભિલોડા પોલીસ સ્ટેશનમાં છટકું ગોઠવ્યું હતું.
દરમિયાન એએસઆઈ બુટલેગર સાથે હેતુલક્ષી વાતચીત કરીને ?૩,૦૦૦ લેતાં એસીબીએએ ગોઠવેલા લાંચના છટકામાં પંચોની રૂબરૂમાં આબાદ ઝડપાઈ ગયો હતો. અરવલ્લી એસીબીના પી.આઈ એચપી કરેન દ્વારા ભ્રષ્ટાચાર આચરી લાંચ લેતા એએસઆઈ વિનોદભાઈ ખાતરાભાઈ સુવેરાને અરવલ્લી જિલ્લા એસીબી પીઆઇ એચપી કરેને ડિટેઇન કરીને આગળની તપાસ સુપર વિઝન અધિકારી ઇન્ચાર્જ નિયામક ગાંધીનગર ડીએ ચૌધરીના માર્ગદર્શન હેઠળ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
અરવલ્લી જિલ્લામાં એસીબીના છટકામાં પોલીસકર્મી ઝડપાયો હોવાની વાયુવેગે વાત ફેલાતાં ભ્રષ્ટાચારી કર્મીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા હતા.અત્રે ઉલ્લેખનીય છે કે ભિલોડા પંથકમાં દારૂના નશેડી વ્યક્તિ તેના ખેતરમાં દેશી દારૂ ગાળી ગટગટાવતો હતો ત્યારે ભિલોડા એએસઆઇ વિનોદ ખાતરાને માહિતી મળતા દારૂ ગાળતા શખ્સને દબોચી લીધો હતો અને બુટલેગરને પોલીસ સ્ટેશન બોલાવી તેની પાસે લાંચની રકમ માગી હતી.