મહેન્દ્ર સિંહ ધોનીને નવા ચીફ સિલેક્ટર બનાવી દેવો જોઇએ : પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર દાનિશ કનેરીયા

મુંબઇ,

એક ન્યૂઝ ચેનલના સ્ટિંગ ઓપરેશન બાદ ક્રિકેટ જગતમાં હોબાળો મચી ગયો છે. સીનિયર સિલેક્શન સમિતિના ચીફ સિલેક્ટર ચેતન શર્માએ આ સ્ટીંગમાં ઘણા દાવા કર્યા છે. તેમણે એમ કહી સુધી કહી દીધું હતું કે, ભારતીય ખેલાડી ફિટનેસ માટે ઇન્જેક્શન લે છે. જોકે તેમણે હવે રાજીનામુ આપી દીધુ છે આ દરમિયાન એક દિગ્ગજ ખેલાડીએ સૂચન આપ્યું કે, દિગ્ગજ મહેન્દ્ર સિંહ ધોનીને ભારતીય ટીમનો ચીફ સિલેક્ટર બનાવી દેવો જોઈએ.

ચીફ સિલેક્ટર ચેતન શર્માએ એક ન્યૂઝ ચેનલના સ્ટિંગ ઓપરેશનમાં ઘણા ખુલાસા કર્યા બાદ તેમણે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. ભારતીય ક્રિકેટમાં આ પ્રકારના વિવાદો વચ્ચે પાડોશી દેશ પાકિસ્તાનથી એક સૂચન આવ્યું છે. પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર દાનિશ કનેરીયાએ બીસીસીઆઇને સૂચન આપતા કહ્યું કે, પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને નવા ચીફ સિલેક્ટર બનાવી દેવા જોઇએ. દાનિશ કનેરીયાએ એક ઇન્ટરવ્યૂ દરમિયાન કહ્યું કે, મહેન્દ્ર સિંહ ધોની સાથે એક વખત બીસીસીઆઇ અધિકારીઓએ વાત કરવી જોઈએ. તેમણે જાણકારી મેળવવી જોઈએ કે ધોનીનો શું પ્લાન છે અને તેઓ શું ચીફ સિલેક્ટર બની શકે છે. હવે સમય આવી ગયો છે કે બીસીસીઆઇ અયક્ષ રોજર બિન્ની અને જય શાહ સખત કાર્યવાહી કરે અને એક નવી સિલેક્શન સમિતિ બનાવે.

પોતાના કરિયરમાં ૬૧ ટેસ્ટ અને ૧૮ વન-ડે ઇન્ટરનેશનલ રમનાર દાનિશ કનેરીયાએ કહ્યું કે, બીસીસીઆઇએ સિલેક્શન સમિતિમાં હવે નવા લોકોને સામેલ કરવાની જરૂરિયાત છે. મહેન્દ્ર સિંહ ધોનીનું મન શાનદાર છે અને તે એક શાનદાર ખેલાડી છે. જ્યારે એમ છે તો તેના જેવો ખેલાડી સિલેક્શન સમિતિમાં કેમ નથી. ઉલ્લેખનીય છે કે ધોની હાલમાં ક્રિકેટથી દૂર છે. તે માત્ર આઇપીએલમાં હિસ્સો લે છે અને ચેન્નાઈ સુપર કિંગ્સની કેપ્ટન્સી કરે છે. મહેન્દ્ર સિંહ ધીનીના નેતૃત્વમાં ભારતે ટી ૨૦ અને વન-ડે બંને ફોર્મેટનો આઇસીસી વર્લ્ડ કપ જીત્યો છે. એ સિવાય ધોનીની કેપ્ટન્સીમાં ભારતે આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફી પણ જીતી છે.