- દાહોદ-લીમખેડાના દોરા પર આવેલા ડીઆરએમએ અમરત ભારત સ્ટેશન યોજના અંતર્ગત તેમજ દિલ્લી- મુંબઈ હાઈ સ્પીડ કોરિડોર માટે અધિકારીઓ જોડે વિસ્તૃત ચર્ચા કરી.
દાહોદ,
પશ્ર્ચિમ રેલ્વેેના રતલામ મંડળમાં સમાવિષ્ટ નાગદા ખાચરોદ, મેઘનગર, લીમખેડા તેમજ દાહોદ રેલ્વેેના નિરીક્ષણ હેતુ દ્વારા ઓચિંતી મુલાકાત લઇ નિરીક્ષણ હાથ ધર્યું હતું. તેમજ મુસાફરોની સુવિધા તેમજ સુખાકારીને ધ્યાનમાં લઇ ઉપરોક્ત સ્ટેશનો ઉપર રેલ્વે અધિકારીઓ પદાધિકારીઓ તેમજ DRUCC તેમજ ZRUCC ના સભ્યો સાથે ચર્ચાઓ કરી હતી. તેમજ યાત્રી સુરક્ષાને ધ્યાને લઈ કેટલીક માંગોને પૂર્ણ કરવા માટે હૈયાધારણા પણ આપવામાં આવી હતી.
પશ્ર્ચિમ રેલ્વેેના રતલામ મંડળના DRM રજનીશ કુમારે આજરોજ મંડળના નાગદા, ખાચરોદ, મેઘનગર, દાહોદ તેમજ લીમખેડાના નિરીક્ષણ માટે પોતાના સલૂન મારફતે આવી પહોંચ્યા હતા. રતલામ થી નાગદા, ખાચરોદ, મેઘનગર, લીમખેડા પહોંચેલા DRM એ લીમખેડા રેલ્વેે સ્ટેશનનું નિરીક્ષણ કર્યું હતું. તેમજ યાત્રીઓની સુવિધાને ધ્યાને લઇ રેલ્વેેના અધિકારીઓ જોડે ચર્ચાઓ કરી હતી. ત્યારબાદ દાહોદ આવેલા DRM રજનીશ કુમારે DRUCC તેમજ ZRUCC સહિતના યાત્રી સુવિધા સલાહકાર સમિતિના સદસ્ય તેમજ અધિકારીઓ જોડે વિસ્તૃત ચર્ચા કરી હતી. જેમાં રતલામ તરફથી આવતી મેલ એક્સપ્રેસ ટ્રેનોનું અંતિમ ઘડીએ પ્લેટફોર્મ બદલાઈ જતા મુસાફરોને હાલાકી વેઠવી પડે છે. સાથે સાથે મેમો ટ્રેનનો પ્લેટફોર્મ બદલવા, ગોદી રોડ તરફની ટીકીટ વિન્ડો તેમજ પાર્કિંગ તથા પ્લેટફોર્મ નંબર-1 ની પાસે આવેલું પાર્કિંગ ચાલુ કરવા સહિતના મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. તેમજ કેટલીક માંગોને પૂર્ણ કરવા DRM દ્વારા હૈયાધારણા પણ આપવામાં આવી હતી. ત્યારબાદ રેલ્વે વર્કશોપ જવા નીકળેલા DRM એ પત્રકાર જોડે વાતચીતમાં જણાવ્યું હતું કે, દાહોદ-ઇન્દોર રેલ પરીયોજના 2025/26 સુધીમાં પૂર્ણ કરી દઈશું. આ રેલમાર્ગ માટે ભૂમિ અધિગ્રહણ પણ પ્રગતિમાં છે. આવનારા સમયમાં કંઈક સારી વસ્તુ જાણવા મળશે. ઇન્દોર-દાહોદ રેલ પરીયોજનામાં ઘાટ સેક્શન તેમજ ભૂમિ અધિગ્રહણને લઈને કેટલીક મુશ્કેલીઓ આવી છે. પરંતુ તેમાં નજીકના સમયમાં ઉકેલ આવી જશે તેવી આશા બંધાઈ રહી છે, તેમજ રેલ્વેેની પાર્કિંગ સુવિધા ટૂંકજ સમયમાં શરૂ કરી દેવામાં આવશે અને રતલામ તરફથી આવતી મેઈલ એક્સપ્રેસ ટ્રેનોના પ્લેટફોર્મ બદલાય છે. તે ઓપરેશનલ સિસ્ટમથી ચાલે છે. જેમાં કશું કરી શકાય તેમ નથી તેમ જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, રેલ્વેેની મેન એન્ટ્રી થી બીજા પ્લેટફોર્મ પર જવા માટેનો ફુટઓવર બ્રિજ 300 થી 400 મીટર દૂર છે. અધૂરામાં પૂરૂં રેલ્વે દ્વારા છેલ્લી ઘડીએ ટ્રેનોના પ્લેટફોર્મ ચેન્જ કરી દેવાય છે. જેના પગલે અત્રેથી મુસાફરી કરતા દિવ્યાંગ તેમજ મહિલાઓ, બાળકો અને વૃદ્ધોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રેલ્વે દ્વારા આ ટ્રેનોના પ્લેટફોર્મ નિયત પ્લેટફોર્મ ઉપર લઈ જવામાં આવે અથવા રેલ્વેે સ્ટેશનની મેઈન એન્ટ્રીથી નજીક એક્સેલેટર સહિતના ફુટ ઓવર બ્રિજની સુવિધા ઉભી કરે જેથી મુસાફરો સુરક્ષિત તેમજ સુવિધા સાથે મુસાફરી કરી શકે તેમાં કોઈ બે મત નથી.