દાહોદ,
દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાની ઘૂમણી ગ્રામ પંચાયતમાં મોટાભાગે વિકાસના કામો માટેની ગ્રાન્ટમાં ગામના વિકાસમાં ભ્રષ્ટાચાર થતો હોવા અંગેની ગ્રામજનો દ્વારા અગાઉ કરવામાં આવેલી રજૂઆતના મામલે આજદિન સુધી વહીવટી તંત્ર દ્વારા તપાસ કરી યોગ્ય ન્યાય નહીં અપાવતા ઘૂમણીના ગ્રામજનો આજે કલેકટર કચેરી ખાતે અચોક્કસની મુદતે ધરણાં પર ઉતર્યા હતા.
લીમખેડા તાલુકાની ઘુમણી ગ્રામ પંચાયત છેલ્લા કેટલાક સમયથી ચર્ચાના એરણે રહી છે. ઘુમણી ગ્રામ પંચાયતના સરપંચ ઉપર ભ્રષ્ટાચારના આક્ષેપો થયા છે. ગામમાં રસ્તાઓ, બોર મોટર, નવીન પંચાયત ઘર, શૌચાલય, આવાસો સહિત અન્ય પાયાની સુવિધાઓ વાળા સરકારી લાભોથી ગ્રામજનોને વંચિત રાખવામાં આવ્યા હોવાના આક્ષેપો થયા છે અને સ્મશાન ઘાટ તરફ જવાના ત્રણેય રસ્તાઓ એસ્ટીમેન્ટ પ્રમાણે બનાવ્યા નથી. સરપંચ પોતાની વિજય ટ્રેડર્સ અને મહાલક્ષ્મી સખી મંડળ નામની સંસ્થાના બિલ મૂકી નાણા ઉપાડતા હોવાના પણ આક્ષેપો થયા છે. આ ઉપરાંત ખોટા કામો બતાવી નાણાની ફાળવણી કરી ઉપાડી લઈ સરપંચે પોતે પૈસા પોતાના અંગત કામમાં વાપરી નાખીને નાણાકીય ગેરરીતિ કરીને પંચાયતને આર્થિક નુકસાન પહોંચાડેલ હોવાનાં આક્ષેપો સાથે ગ્રામજનો દ્વારા અગાઉ વિવિધ કચેરીઓમાં ઉચ્ચકક્ષાએ વારંવાર રજૂઆતો કરી હોવા છતાં પણ આજદિન સુધી આ બાબતે કોઈ તપાસ કરવામાં ન આવતા ઘુમણીના ગ્રામજનો દ્વારા આજે દાહોદ કલેકટર કચેરીએ અચોક્કસ મુદતના ધરણા પર ઉતરી ગાંધી ચીંધ્યો માર્ગ અપનાવતા રાજકીય મોરચે ગરમાવો આવી ગયો છે.