આદિવાસી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ સંતરામપુરમાં વિશ્ર્વ માતૃભાષા દિવસ નિમિત્તે પદ્મશ્રી ડો.પ્રવીણ દરજીનું વ્યાખ્યાન યોજાયું

સંતરામપુર,

તા. 21/02/2023 એટલે વિશ્ર્વ માતૃભાષા દિવસ, જે અંતર્ગત આદિવાસી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, MSW-DSI કોલેજ સંતરામપુર અને ગુજરાત સાહિત્ય પરિષદના ઉપક્રમે “મળી માતૃભાષા મને ગુજરાતી” વિષય ઉપર વ્યાખ્યાન યોજાયું હતું. કાર્યક્રમની શરૂઆત ગુરૂવંદના અને પ્રાર્થનાથી કરવામાં આવી હતી. કોલેજના પ્રિન્સિપાલ ડો.અભય પરમાર મહેમાનનો આવકાર અને પ્રાસંગિક ઉદબોધનની આગવી શૈલીમાં કર્યું હતું. ત્યારબાદ ગુજરાતી વિભાગ અધ્યક્ષ ડો.શંકરભાઈ પ્રજાપતિએ વિષયની ભૂમિકા અને ડો.પ્રવીણ દરજીનો પરિચય કરાવ્યો હતો. ડો. પ્રવીણ દરજીએ ગુજરાતી ભાષાની અસ્મિતા અને સંવર્ધન વિશે પ્રેમાનંદથી માંડી અખો, દલપતરામ અને અર્વાચીન કવિઓ-લેખકોની ગુજરાતી ભાષા સાથેની નિસબદ્ધતા અને કાર્યની રસમય વાત કરી જર્મન ઇંગ્લેન્ડ અને વિશ્ર્વની અન્ય ભાષાઓના ઉદાહરણ અને કથાઓ દ્વારા રસાળશૈલીમાં હૃદયગમ્ય ઉદબોધન કર્યું હતું. કોલેજના લગભગ 500 વિદ્યાર્થીઓ સહિત અધ્યાપકો હાજર રહી કાર્યક્રમનો આસ્વાદ માણ્યો હતો. પ્રા. દેવરાજ નંદાએ હળવી શૈલીમાં સૌનો આભાર અભિવ્યક્ત કર્યો હતો. જ્યારે સમગ્ર કાર્યક્રમનું સુચારૂં સંચાલન ડો.માલીની ગૌતમે કર્યું હતું. અંતમાં રાષ્ટ્રગીતના સામુહિક ગાન દ્વારા કાર્યક્રમ ઉત્સાહભેર પૂર્ણ જાહેર કરવામાં આવ્યો હતો.