શહેરાના સાજીવાવ ગામ મા ખેતર મા આવેલ લીમડાના ઝાડ ઉપર સ્થાનિક ગામના યુવાન અને સગીરાની લાશ લટકતી હાલતમા મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. સ્થાનિક લોકોની મદદથી પોલીસે પ્રેમી પંખીડાની લાશને નીચે ઉતારી ને પીએમ અર્થે મોકલી દેવામાં આવી હતી. આ મામલે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
શહેરા તાલુકાના સાજીવાવ ગામના જંગલ વેલાળી ફળિયાના પરીણીત યુવાન મહેન્દ્ર નાયક ને આજ ગામની સગીરા સાથે પ્રેમ સંબંધ હતો. આ બે પ્રેમી પંખીડા ને એમ હતું કે સમાજ એક બીજાના થવા નહી દે તેમ લાગતુ હોવાથી તેઓએ જોડે આ પ્રેમ ની દુનિયાને અલવિદા કરવાનું વિચાર્યું હતુ.આ બન્ને પ્રેમી-પંખીડા એ મરતા પહેલા એક બીજા ના ગળા માં ફૂલના હાર પહેરાવીને લીમડાના ઝાડ ઉપર કાળી દોરી બાંધીને લટકી ગયા હતા. જ્યારે સવારમાં કાશીબેન નાયક ને ઝાડ ઉપર લટકતી લાશ આ બે પ્રેમી પંખીડાની જોવા મળતા તેઓએ યુવાન ના પરીવારજનો ને જાણ કરી હતી. જ્યારે ગામના જાગૃત નાગરિક દ્વારા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ મથકના પી.એસ.આઇ એલ.એસ. પટેલ સાથે બીટ જમાદાર રાજેન્દ્રસિંહ ઝાલા સહિતનો સ્ટાફ બનાવ સ્થળ ખાતે આવી પહોંચીને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પ્રેમી પંખીડાની લટકતી લાશને ઝાડ ઉપરથી નીચે ઉતારીને પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવી હતી. બનેલા બનાવને લઇને સ્થળ ઉપર મોટી સંખ્યામાં લોકટોળા ઉમટી આવ્યા હતા. પોલીસે આ મામલે એડી નોંધીને વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યાં હતા.