અદાણી હિંડનબર્ગ કેસમાં સુપ્રીમ કોર્ટે ફોર્બ્સના રિપોર્ટને રેકોર્ડ પર લેવાનો ઇનકાર કરી દીધો

નવીદિલ્હી,

અદાણી હિંડનબર્ગ કેસમાં સુપ્રીમ કોર્ટ સતત ઝડપી નિર્ણય લઈ રહી છે. સોમવારે સુપ્રીમ કોર્ટે ફોર્બ્સના રિપોર્ટને રેકોર્ડ પર લેવાનો ઇનકાર કર્યો હતો. સોમવારે સવારે એક અરજદાર વતી આ સંદર્ભમાં વિનંતી કરવામાં આવી હતી. જેને સીજેઆઇએ ફગાવી દીધો હતો. તમને જણાવી દઈએ કે, આ અરજી કોંગ્રેસ નેતા જયા ઠાકુરે દાખલ કરી હતી.૧૭ ફેબ્રુઆરીના રોજ, ભારતના મુખ્ય ન્યાયાધીશની આગેવાની હેઠળની બેન્ચે ભારતીય રોકાણકારોના રક્ષણ માટે નિયમનકારી પગલાંની સમીક્ષા કરવા માટે એક સમિતિની રચના કરવાનો આદેશ અનામત રાખ્યો હતો. આજે, એડવોકેટ વરુણ ઠાકુરે, અરજદારોમાંના એક, ડો. જયા ઠાકુરના વકીલ, બેંચને ફોર્બ્સના અહેવાલને રેકોર્ડ પર લેવાની વિનંતી કરી, એમ કહીને કે તે પછીથી પ્રકાશિત કરવામાં આવ્યો છે. જેના પર સીજેઆઈએ કહ્યું કે અમે તેને રેકોર્ડ પર લઈ શકીએ નહીં.

અગાઉ ૧૭ ફેબ્રુઆરીએ અદાણી-હિંડનબર્ગ કેસને લઈને સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સેબી તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલે સમિતિના સભ્યોના નામ અને સત્તા અંગે ન્યાયાધીશોને સૂચનો રજૂ કર્યા હતા. સોલિસિટરે કહ્યું હતું કે અમે ઇચ્છીએ છીએ કે સત્ય બહાર આવે. પરંતુ તેની અસર બજાર પર ન થવી જોઇએ. પૂર્વ જજને મોનિટરિંગની જવાબદારી સોંપવા અંગે કોર્ટ નિર્ણય લઈ શકે છે.

જેના પર સીજેઆઇએ કહ્યું કે, તમે જે નામ આપ્યા છે તે અન્ય પક્ષને નહીં આપવામાં આવે તો પારદશતાનો અભાવ જોવા મળશે. તેથી, અમે અમારી તરફથી એક સમિતિ બનાવીશું. અમે ઓર્ડર અનામત રાખીએ છીએ. સુનાવણી દરમિયાન એડવોકેટ વિશાલ તિવારીએ કહ્યું કે કંપનીઓ તેમના શેરની ઊંચી કિંમત બતાવીને લોન લે છે, આ પણ તપાસમાં આવવુ જોઈએ. સાથે જ એડવોકેટ એમએલ શર્માએ કહ્યું કે શોર્ટ સેલિંગની તપાસ થવી જોઈએ. સીજેઆઇએ કહ્યું કે તમે અરજી દાખલ કરી છે, તો જણાવો કે શોર્ટ સેલર શું કરે છે.

અહેવાલો અનુસાર, અદાણી હિંડનબર્ગ કેસમાં, એમએલ શર્માએ કહ્યું કે “તેમનું કામ ડિલિવરી વિના શેર વેચવાનું અને મીડિયા દ્વારા ભ્રમ ફેલાવવાનું છે.” જેના પર જસ્ટિસ નરસિમ્હાએ કહ્યું કે તેનો અર્થ શોર્ટ સેલર્સ મીડિયાના લોકો છે. શર્માએ કહ્યું કે ના, આ એવા લોકો છે જે બજારને પ્રભાવિત કરીને નફો કમાય છે. પ્રશાંત ભૂષણે કહ્યું કે અમે કોર્ટની દેખરેખ હેઠળ એસઆઇટી અથવા સીબીઆઇ તપાસની માંગ કરી રહ્યા છીએ. સીજેઆઇએ કહ્યું તેનો અર્થ એ છે કે તમે સ્વીકાર્યું છે કે કંઈક ખોટું થયું છે. ભૂષણે કહ્યું કે અદાણી કંપનીઓના ૭૫% થી વધુ શેર પ્રમોટરો અથવા તેમના સહયોગીઓ પાસે છે. સીજેઆઇએ કહ્યું કે તમે તમારા સૂચનો આપો.