શિલોન્ગ,
મેઘાલયમાં હાલમાં રાજકીય માહોલ ગરમાયેલો છે. અહીં ૨૭ ફેબ્રુઆરી ચૂંટણી થવાની છે. આ દરમિયાન ભારતીય જનતા પાર્ટીના પ્રદેશાધ્યક્ષ અર્નેસ્ટ માવરીના નિવેદને રાજકીય ગરમાવો લાવી દીધો છે. માવરીએ ચૂંટણી પહેલા ચોંકાવનારુ નિવેદન આપતા કહ્યું કે, ભાજપમાં બીફ ખાવા પર કોઈ પ્રતિબંધ નથી.
એક ખાનગી ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં માવરીએ કહ્યું કે, ભાજપમાં બીફ ખાવા પર કોઈ પ્રતિબંધ નથી. તેમણે કહ્યું કે, તે ખુદ બીફ ખાય છે અને તેનાથી કોઈને કંઈ સમસ્યા નથી. તેમણે આગળ કહ્યું કે, ભાજપની અંદર કોઈ સમસ્યા નથી. પાર્ટી કોઈ જાતિ, પંથ અથવા ધર્મ વિશે વિચારતી નથી. આપણે જે ઈચ્છીએ તે ખાઈ શકીએ છીએ, આ અમારા ખાવાની આદતમાં સામેલ છે. કોઈ રાજકીય પાર્ટીને તેનાથી સમસ્યા હોવી જોઈએ નહીં.
જ્યારે માવરીને પુછવામાં આવ્યું કે, હિન્દુ ધર્મમાં તો ગાયને પવિત્ર માનવામાં આવે છે. તો તેમણે કહ્યું કે, તેઓ પોતાના ભોજનની આદતોનું પાલન કરે છે. અને તેના પર કોઈ પ્રતિબંધ નથી, તેને લઈને અમને કોઈ નિર્દેશ મળ્યા નથી. તેમણે કહ્યું કે, મેઘાલયમાં સૌ કોઈ બીફ ખાય છે. અને રાજ્યમાં તેના પર કોઈ પ્રતિબંધ નથી.
માવરીએ આગળ કહ્યું કે, આ અમારી આદત અને સંસ્કૃતિ છે. બીફ સાથે જોડાયેલ વિવાદ પર ટિપ્પણી કરવા ઉપરાંત માવરીએ આગામી વિધાનસભા ચૂંટણીમાં ભાજપની સંભાવનાને લઈને વાતચીત કરી. તેમણે કહ્યું કે, પાર્ટી રાજ્યની તમામ ૬૦ સીટો પર ઉમેદવાર ઉતારશે. આશા છે કે, સારુ પ્રદર્શન કરીશું.