દંતેવાડા,
સોશિયલ મીડિયા પર હાલ વિરાટ કોહલીને કારણે છોલે ભટૂરે ભારે ટ્રેન્ડ થઈ રહ્યાં છે. પણ આજ છોલે ભટૂરે એ સીઆરપીએફ જવાનોની હાલત ખરાબ કરી હતી. છત્તીસગઢના દંતેવાડામાં સીઆરપીએફના ૨૫ જવાનોની તબિયત ખરાબ થઈ હતી. તેમને તરત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મળતી માહિતી અનુસાર તે તમામને ફૂડ પોઈઝનિંગ હતું. સ્થિતિ નિયંત્રણ બહાર જતા તેમને કેમ્પના હોસ્પિટલમાંથી એનએમડીસી અપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
સારવાર બાદ હાલ ૨૦ જવાનોને રજા આપવામાં આવી છે. પરતું ૫ જવાનો હાલ સારવાર હેઠળ છે. તેમના સ્વાસ્થ પર ડોકટરો નજર રાખી રહ્યાં છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, જવાનોના કહેવા પર શનિવારે રાત્રે કેમ્પમાં છોલે ભટૂરે બનાવ્યા હતા. તમામ જવાનોએ એક સાથે ભોજન કર્યું હતું.
છોલે ભટૂરે ખાધા બાદ તમામ જવાનોના પેટમાં દુખાવો અને ઉલ્ટી થવા લાગી હતી. રાહતની વાત એ હતી કે ઘણા જવાનો હજુ છોલે ભટૂરે ખાવાના બાકી હતા. તે જ જવાનોએ બીમાર જવાનોને હોસ્પિટલ પહોંચાડવામાં મદદ કરી હતી. હવે આ છોલે ભટૂરેના કારણે આવી ઘટના કેમ બની તેની તપાસ કરવામાં આવી રહી છે.
મળતી માહિતી મુજબ, સીઆરપીએફની ૨૩૦ બટાલિયન દંતેવાડા જિલ્લાના નરેલી હેડક્વાર્ટરમાં રહે છે. શનિવારે આ બટાલિયનના મેસમાં ભોજન રાંધવામાં આવતું હતું. પહેલા ૨૫ જવાનો જમવા બેઠા. છોલે ભટૂરે ખાધા પછી આ જવાનો હાથ અને મોં ધોઈ રહ્યા હતા ત્યારે તેમને ઉલ્ટી થવા લાગી. થોડી જ વારમાં આ જૂથના તમામ જવાનોને ઉલ્ટી અને ઝાડા થવા લાગ્યા. આવી સ્થિતિમાં બાકીના જવાનોનું ભોજન બંધ કરી દેવામાં આવ્યું હતું અને કેમ્પમાં જ આ જવાનોને સારવાર આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.