નવસારી : ચીખલી તાલુકાના તલાવચોરા ગામે દાંપત્ય જીવનના મંડાણ પહેલા યુવતીનો મૃતદેહ મળ્યો

નવસારી,

નવસારીના ચીખલી તાલુકાના તલાવચોરા ગામે દાંપત્ય જીવનના મંડાણ પહેલા યુવતીનો મૃતદેહ મળી આવતા પરિવારમાં શોકનો માહોલ છવાયેલો છે. પરિવારમાં દીકરીના લગ્ન થવાના હતા. હાથે મહેંદી લાગવાની હતી તે દીકરીને વિદાય કરવાનો ઉત્સાહ એક પિતામાં ખૂબ જ હતો પણ પિતાને ક્યાં ખબર હતી કે વિદાયને બદલે ચિતાને આગ આપવી પડશે. વાત એમ છે કે તલાવચોરા ગામમાં રહેતી પ્રિયંકા આહીરના ૨૪ ફેબ્રુઆરીએ લગ્ન થવાના હતા.

લગ્નની તૈયારીમાં યુવતીનો પરિવાર મશગુલ હતો. મૃત્યુ ની આગલી રાત સુધી પ્રિયંકા એના પરિવાર સાથે હસી ખુશીથી વાતો કરતી હતી અને લગ્નની તૈયારીઓમાં જોતરાઈ હતી પરંતુ સવારે મોડે સુધી પ્રિયંકા પોતાના રૂમમાંથી નીચે ન આવતા પરિવારે શોધખોળ શરૂ કરી હતી અને ગામના તળાવમાંથી એનો મૃતદેહ મળી આવતા પરિવાર પર આભ તૂટ્યું પડ્યું હતું. અને લગ્નનો અવસર માતમમાં ફેરવાયો હતો. લાડકી દીકરીને ગુમાવતા પરિવાર ભાંગી પડ્યો છે અને યોગ્ય ન્યાય મળે એવી આશા રાખી છે. તો બીજી તરફ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. યુવતીએ આત્મહત્યા કરી છે કે પછી હત્યા કરવામાં આવી છે તે દિશામાં પોલીસ વધુ તપાસ કરી રહી છે. હાલ પોલીસે મૃતક યુવતીનો મોબાઇલ ફોન જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ તપાસ બાદ જ ખબર પડશે તે પ્રિયંકાની હત્યા થઇ છે કે આત્મહત્યા કરી છે.

આ અગાઉ પણ મોડાસાના સાયરા ગામની ૨૦ વર્ષીય યુવતીનો મૃતદેહ ઝાડ પર લટકેલી હાલતમાં મળતા ચકચાર મચી ગઇ હતી. આ કેસમાં અનુસૂચિત જનજાતિ આયોગે આ મામલે રિપોર્ટ માગ્યો હતો. યુવતીના પરિવારજનોએ યુવતી પર દુષ્કર્મ આચરીને તેના મૃતદેહને લટકાવી દેવાયાનો આક્ષેપ કર્યો હતો. સાથે પોલીસની ઢીલી કામગીરી સામે પણ પરિવારજનો અને સમાજના લોકોએ મોડાસામાં ચક્કાજામ કર્યું હતું.