
નવીદિલ્હી,
દેશની રાજધાની દિલ્હી અને આર્થિક રાજધાની મુંબઈમાં પ્રદૂષણથી સ્થિતિ દિવસે ને દિવસે વધુ કથળી રહી છે.આ જ કારણે પ્રદૂષણ અંગેના એક રિપોર્ટમાં મુંબઈમાં તેના સ્તરને ચિંતાજનક ગણાવાયું છે જ્યારે દિલ્હીમાં પ્રદૂષણથી સ્થિતિ વધુ કથળી રહી હોવાનું કહેવાયું છે. જોકે, પ્રદૂષણ અંગેના આ અહેવાલો વચ્ચે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે એક ટ્વીટ કરીને દાવો કર્યો છે કે ઘણા લાંબા સમય પછી દિલ્હી વિશ્ર્વના સૌથી પ્રદૂષિત શહેરોની યાદીમાંથી બહાર નીકળી ગયું છે.
દુનિયામાં ફેલાયેલા પ્રદૂષણ અંગે સ્વિસ સંસ્થાનો એક રિપોર્ટ જાહેર કરાયો છે. આ સંસ્થા પ્રદૂષણ અંગે નિયમિત સમયે આંકડા અપડેટ કરવાની સાથે તેને જાહેર કરે છે. આ રિપોર્ટ મુજબ મુંબઈમાં પ્રદૂષણનું સ્તર છેલ્લા કેટલાક સમયથી દરરોજ ખરાબ થઈ રહ્યું છે. મુંબઈ અંગે પ્રદૂષણના મળતા આંકડા ચિંતાજનક છે. જોકે, આ અહેવાલ મુજબ દિલ્હીની સ્થિતિ પણ વધુ ચિંતાજનક છે. આ ડેટાથી જાણવા મળે છે કે રાષ્ટ્રીય રાજધાનીમાં પ્રદૂષણનું સ્તર મુંબઈના સ્તરથી સતત બમણુ રહ્યું છે.
સ્વિસ સંસ્થાનો આ રિપોર્ટ પીએમ ૨.૫ પ્રદૂષક સ્તરના માપ પર આધારિત છે. સૂક્ષ્મ અને ઘાતક કણ પદાર્થ પીએમ માનવ શરીરને નુક્સાન કરી શકે છે. તે ફેફસા અને શરીરના અન્ય અંગોમાં ઊંડે સુધી સમાઈ જવાની ક્ષમતા ધરાવે છે.
પ્રદૂષણ અંગેના નવા ડેટાથી ખ્યાલ આવે છે કે દિલ્હીમાં વર્ષ ૨૦૨૨ની સરખામણીમાં પ્રદૂષણનું સ્તર મુંબઈથી વધુ છે. ખાસ કરીને નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં પ્રદૂષણનું સ્તર મુંબઈ કરતાં વધુ હતું. છેલ્લા ચાર વર્ષમાં પીએમ ૨.૫ દિલ્હીમાં સરેરાશ ૯૫ માઈક્રોગ્રામ પ્રતિ ક્યુબિક મીટર રહ્યું છે, જ્યારે મુંબઈમાં તે ૪૫ હતું. દરિયા કિનારાના મેટ્રો શહેરોમાં વાહનો, બાંધકામ અને રસ્તાની ધૂળથી થતું પ્રદૂષણ ઘટાડવામાં સમુદ્રી હવાનો લાભ મળે છે. આ રિપોર્ટમાં અપાયેલા ડેટાથી ખ્યલા આવે છે કે નવેમ્બર અને ડિસેમ્બરમાં પીએમ ૨.૫નું સ્તર ગયા વર્ષની સરખામણીમાં ૧૮ ટકા વયું છે. દરમિયાન દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરી હતી કે, લાંબા સમય પછી દિલ્હી વિશ્ર્વના સૌથી વધુ પ્રદૂષિત શહેરની યાદીમાંથી બહાર થયું છે. જોકે, રસપ્રદ બાબત એ હતી કે તિવ્ર હવાના કારણે માત્ર એક દિવસ માટે જ પ્રદૂષણનું સ્તર ઘટયું હતું.