હિમાચલ : શિમલામાં ફેબ્રુઆરીની ગરમીએ ૮ વર્ષનો રેકોર્ડ તોડયો, આકરા ઉનાળાની આગાહી

શિમલા,

હિમાચલ પ્રદેશમાં પણ હવે તાપમાન વધવા લાગ્યું છે. પર્વતીય વિસ્તારોમાં ન્યૂનતમ તાપમાન સામાન્યથી ઘણું વધારે નોંધાયું હતું. શિમલામાં ફેબ્રુઆરીમાં લઘુત્તમ તાપમાને છેલ્લા ૮ વર્ષનો રેકોર્ડ બ્રેક કર્યો હતો. હવામાન વિભાગના અહેવાલ અનુસાર શુક્રવારે રાતે શિમલામાં લઘુત્તમ તાપમાન ૧૪.૪ ડિગ્રી નોંધાયું હતું. અગાઉ ફેબ્રુઆરી ૨૦૧૫માં ૧૪.૨ ડિગ્રી તાપમાન રેકોર્ડ થયું હતું.

તાપમાનમાં વધારાની સાથે જ હિમાચલના વાતાવરણમાં અચાનક જ ઠંડી ગુમ થઈ ગઇ હતી. હિમાચલના પાડોશી રાજ્યોના મુખ્યમ શહેરોમાં પણ લઘુત્તમ તાપમાન શિમલાથી ઓછી રહી હતી. ચંડીગઢમાં લઘુત્તમ તાપમાન ૧૧.૮ ડિગ્રી સેલ્સિયસ, દહેરાદૂનમાં ૧૧.૧ ડિગ્રી સેલ્સિયસ, અંબાલામાં ૧૨.૮ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જ્યારે શિમલામાં મહત્તમ તાપમાન સામાન્યથી અનેક ડિગ્રી વધુ ૨૩.૨ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.

હવામાન વિભાગની માનીએ તો આજે હવામાનના મિજાજમાં હળવું પરિવર્તન જોવા મળી શકે છે. રાજ્યના વધારે ઊંચા અને ઓછી ઊંચાઈવાળા વિસ્તારોમાં હળવા વરસાદ કે હિમવર્ષા થવાની પણ શક્યતા છે. તેનાથી રાજ્યમાં ગરમીથી રાહત મળવાની શક્યતા છે.