રાજકોટ,
આજકાલ યુવાનોમાં હાર્ટ એટેકને કારણે મોત થવાના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. ત્યારે આવા જ કંઇક બનાવ રાજકોટમાં સામે આવ્યા છે. રાજકોટમાં ક્રિકેટ રમતી વખતે હાર્ટ એટેક આવતા વધુ એક યુવાનનું મોત થયુ છે. રેસકોર્સના માધવરાવ ક્રિકેટ સ્ટેડિયમમાં હાર્ટ એટેકથી મોત થવાની વધુ એક ઘટના સામે આવી છે. ક્રિકેટની ચાલુ મેચ દરમિયાન ૩૫ વર્ષીય યુવકને હાર્ટઅટેક આવ્યો હતો. રાજકોટમાં છેલ્લા એક માસમાં યુવાનોમાં હાર્ટ એટેકથી મોતની આ ચોથી ઘટના સામે આવી છે.
રાજકોટમાં એક મહિનામાં યુવાન વયે રમતાં રમતાં ચાર યુવાન હાર્ટ એટેકથી મૃત્યુ પામ્યા છે. ત્યારે વધુ એક યુવાનનું હાર્ટ એટેકથી મોત થયાની ઘટના સામે આવી છે. રાજકોટમાં માધવરાવ ક્રિકેટ સ્ટેડિયમ આજે વહેલી સવારે મીડિયા ટુર્નામેન્ટ ચાલી રહી હતી તે દરમિયાન ૩૫ વર્ષીય યુવકને હાર્ટ એટેક આવ્યા હતા. યુવકને એક પછી એક ત્રણ જેટલા હાર્ટ એટેક આવ્યા હતા. જે પછી તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જે પછી ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.
આ પહેલા રાજકોટમાં એક દિવસમાં રમત રમતા બે યુવકોનું મોત થયુ હતુ. એકનું ક્રિકેટ રમતા અને અન્ય યુવકનું ફુટબોલ રમતા મોત થયુ હતુ. હજુ તો ચાર દિવસ પહેલા જ રાજકોટમાં એક યુવકનું ક્રિકેટ રમતા મોત થયુ હતુ. ડીસામા રહેતા ભરત બારૈયા રાજકોટમાં પિતરાઇ બહેનના દીકરાના લગ્નપ્રસંગ માટે આવ્યા હતા. ત્યારે વહેલી સવારે તે શાસ્ત્રી મેદાનમાં ક્રિકેટ રમવા ગયા હતા. ભરત બારૈયા ક્રિકેટ રમી પોતાના ઘરે પરત ફરતા હતા તેમને તે સમયે રસ્તામાં જ હાર્ટ એટેક આવ્યો હતો. આથી સાથે રહેલા મિત્રોએ ૧૦૮ને જાણ કરતા ૧૦૮ ની ટીમ તાત્કાલીક દોડી આવી હતી. પરંતુ ઇએમટીએ ભરતને મૃત જાહેર કર્યો હતો.
સુરતમાં ક્રિકેટ રમતી વખતે વરાછાના યુવકનું હાર્ટ એટેકના કારણે મોત થયુ છે. ૨૭ વર્ષીય પ્રશાંત ભરોલીયાને છાતીમાં દુ:ખાવો ઉપડ્તા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ ૨૭ વર્ષીય યુવકનું મોત થયુ છે. યુવક કેનેડામાં એન્જિનીયરિંગનો અભ્યાસ કરતો હોવાનું સામે આવ્યુ છે.