અમદાવાદ,
ગુજરાતમાં આજે અલગ-અલગ જીલ્લામાં ૩ અકસ્માત સર્જાયા છે. જે પંચમહાલ, સુરત અને વલસાડના પારડીમા અકસ્માત સર્જોયો છે. જ્યાં એક જ દિવસમા ૫ લોકોના ઘટના સ્થળે પર કમકમાટી ભર્યા મોત થયા છે.
પંચમહાલના ઘોઘંબાના રવેરી ગામ પાસે ખાનગી બસ અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ દુર્ઘટનામાં કારમાં સવાર બે વ્યક્તિનાં મોત થયા છે. જ્યારે ત્રણ ઘાયલ લોકોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમા એક વ્યક્તિને ગંભીર રીતે ઈજા થઈ હતી. જેને વધુ સારવાર માટે વડોદરા ખસેડાયમાં આવ્યો છે. આ દુર્ઘટનાના મૃતકો અને ઘાયલો ભીખાપુરા મુવાડા ગામના વતની છે. મધરાતે અકસ્માતનો અવાજ સાંભળીને આસપાસના રહીશો મદદ માટે દોડી આવ્યા હતા. જો કે ખાનગી બસનો ડ્રાઈવર ઘટનાસ્થળેથી નાસી છૂટ્યો હતો. પોલીસે બસને રાજગઢ સ્ટેશને ખસેડીને વધુ તપાસ હાથ ધરી છે.
સુરતમાં પોતાના લગ્નની કંકોત્રી આપવા નીકળેલા યુવકનું મોત થતા પરિવારમાં માતમ છવાઇ ગયો છે. જો આ ઘટનાની વાત કરીએ તો ગોડાદરાનો ૨૬ વર્ષીય યુવક જીતેન્દ્ર ચારણના ૨૨ તારીખે લગ્ન હતા. જે યુવક પોતાના લગ્નના અંતિમ દિવસની તૈયારીમાં વ્યસ્ત હતો. ત્યારે યુવક પોતાના લગ્નની કંકોત્રી આપવા નીકળ્યો એ દરમિયાન ગોડાદરા બ્રિજ પાસે સિમેન્ટ ભરેલી ટ્રકે યુવકને અડફેટે લીધો હતો. બેફામ ટ્રક ચાલક અકસ્માત સર્જીને ફરાર થઇ ગયો હોવાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા યુવકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો.જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતુ. ૨૬ વર્ષીય મૃતક યુવકના ૨૨ તારીખે લગ્ન હતા. જેના ઘર-પરિવારમાં ખુશી, ઉત્સાહ, ઉમંગના વાતાવરણ વચ્ચે અચાનક આવેલા વજ્રઘાતથી પરિવાર ભાંગી પડ્યો છે.
આ ઉપરાંત આજે પણ પારડી તાલુકાના રોહીણા ગામે અકસ્માત સર્જાયો છે. બે બાઈક અથડાતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ૨ લોકોના ઘટના સ્થળે મોત થયા હતા. જ્યારે અન્ય એક ઇજાગ્રસ્ત વ્યક્તિને સારવાર હેઠળ હોસ્પિટલમા ખસેડાયો છે.