નંદમુરી તારકા રત્નના નિધનથી પીએમ મોદી દુ:ખી, નંદમુરીએ ફિલ્મોમાં પોતાની છાપ છોડી

નવીદિલ્હી,

દક્ષિણના પ્રખ્યાત અભિનેતા નંદમુરી તારકા રત્નનું શનિવારે અચાનક અવસાન થયું. તેમના અવસાનથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સ્ટાર્સ આઘાતમાં છે અને દુ:ખી છે. ઘણા સ્ટાર્સ નંદમુરી તારક રત્નના મૃત્યુ પર પ્રતિક્રિયા આપી રહ્યા છે અને તેમની સાથે તેમની યાદો શેર કરી રહ્યા છે. હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તેમના અકાળે અવસાન પર શોક વ્યક્ત કર્યો છે.

પીએમઓ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રતિક્રિયા ટ્વીટ કરવામાં આવી છે. તે લખે છે, “નંદમુરી તારક રત્નનાં અકાળ અવસાનથી ખૂબ જ દુ:ખી છું. તેણે ફિલ્મ અને મનોરંજનની દુનિયામાં એક અલગ જ ઓળખ બનાવી. મારી સંવેદના તેમના પરિવાર અને પ્રિયજનો સાથે તેમના દુ:ખની ઘડીમાં છે. ઓમ શાંતિ.”

નંદમુરી તારકા રત્ન તેલુગૂ સિનેમાના સિનેમેટોગ્રાફર નંદમુરી મોહન કૃષ્ણના પુત્ર હતા. આ સિવાય તેઓ પૂર્વ સીએમ એનટી રામા રાવના પૌત્ર પણ હતા. નંદમુરી તારકા રત્ને વર્ષ ૨૦૦૨માં તેલુગુ ફિલ્મ ઓકાટો નંબર કુર્રાડુથી તેની અભિનય કરિયરની શરૂઆત કરી હતી. આ ફિલ્મનું નિર્દેશન એ કોડનબરામી રેડ્ડીએ કર્યું હતું. આ સિવાય તેણે ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. જો કે તે તેના પિતરાઈ ભાઈ જુનિયર એનટીઆર જેટલી સફળતા મેળવી શક્યો ન હતો.

રિપોર્ટ્સ અનુસાર ૩૯ વર્ષીય નંદમુરી તારકા રત્નને ૨૭ જાન્યુઆરીએ આંધ્ર પ્રદેશમાં એક રાજકીય રેલી દરમિયાન હાર્ટ એટેક આવ્યો હતો. ત્યારથી તેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. જો કે આટલા દિવસો સુધી તેમની સ્થિતિમાં કોઈ સુધારો થયો ન હતો અને ૧૮ ફેબ્રુઆરીના રોજ તેમનું અવસાન થયું હતું.

નંદમુરી તારક રત્નના અંતિમ સંસ્કાર સોમવારે ૨૦ ફેબ્રુઆરીએ કરવામાં આવશે. આજ સવારથી જુનિયર એન.ટી.આર. ભાઈ કલ્યાણરામ અને અન્ય ઘણી હસ્તીઓ તેમના ઘરે અંતિમ દર્શન માટે પહોંચી રહી છે. સોશિયલ મીડિયા પર ઘણી તસવીરો અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે. જેમાં સ્ટાર્સ તેમની અંતિમ ઝલક નિહાળવા માટે જતા જોવા મળે છે. જુનિયર એનટીઆર પણ એક તસવીરમાં એકદમ ભાવુક જોવા મળે છે.