ઘોઘંબા,
ઘોઘંબાના ચેલાવાડા ગામના ધાણી ફળિયામાં રહેતા નગીનભાઈ રાઠવા ધર નજીકના ખેતરમાં ઢોર ચરી રહ્યા હતા ત્યારે નજીકમાં આવેલી ડુંગરીમાંથી અચાનક શિકારની શોધમાં ફરતો દિપડો આવી પહોંચ્યો અને ખેતરમાં ચરતા એક વાછરડા ઉપર હુમલો કર્યો હતો. હુમલો થતાં વાછરડાએ બુમરાણ મચાવી મુકી હતી. જેના અવાજથી નગીનભાઈ દોડી આવ્યા તો જોયુ દિપડો વાછરડાને મોંઢાના ભાગેથી પકડી ખેંચી જવાનો પ્રયાસ કરતો હતો. નગીનભાઈએ દેકારો કરતા આજુબાજુમાં કામ કરતા લોકો પણ દોડી આવ્યા હતા. અને બુમાબુમ થતાં દિપડો વાછરડાને છોડી ભાગી ગયો હતો. વાછરડાનો જીવ બચી ગયો હતો. પરંતુ વાછરડાની એક આંખમાં ભારે ઈજાઓ પહોંચી હતી. દિપડો નજીકમાં આવેલી ડુંગરીમાં પથ્થરની ગુફામાં રહેતો હોવાનુ જાણવા મળ્યુ છે. બનાવ અંગે ઘોઘંબા રેન્જ ફોરેસ્ટ કચેરીમાં જાણ કરવામાં આવી હતી. વન વિભાગ દ્વારા સ્થળની મુલાકાત લઈને કાર્યવાહી કરવામાં આવી છે. પરંતુ સ્થાનિક લોકોએ ડુંગર અને આજુબાજુ જંગલ વિસ્તાર હોવાથી અવાર નવાર જંગલી પ્રાણી દિપડો માનવ વસ્તીમાં ધુસી આવતો હોય છે જેથી તેને પાંજરે પુરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે.