
- જન્નમેશ્ર્વર (જાનમાર્યા) મહાદેવજી મંદિર ગરાડુ ખાતે મહા સુદ પૂનમ,મહાશિવરાત્રી તથા આમળી અગિયારસના મેળા ભરાય છે.
- ભૂતકાળમાં આ મહાદેવજી મંદિરના સ્થળ ઉપર લુંટારૂઓ દ્વારા જાનૈયાઓની હત્યા કરવામાં આવતા આ સ્થળ જાન માર્યા તરીકે ઓળખાય છે.
- જન્મેશ્ર્વર મહાદેવ મંદિર ગરાડુને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા વહીવટદાર દ્વારા દરખાસ્ત કરવામાં આવેલ છે.
દાહોદ,
ફતેપુરા-ઝાલોદની સરહદ ઉપર ગરાડુ ગામે આવેલ જન્મેશ્ર્વર મહાદેવ મંદિર જાન માર્યા તરીકે ઓળખાય છે અને આદિવાસી સમાજના આસ્થાના પ્રતિક સ્વરૂપ આ મંદિર ઉપર મહા સુદ પૂનમ મહાશિવરાત્રી તથા આંગળી અગિયારસના મેળાઓ પણ ભરાય છે. જ્યાં સેકડોની સંખ્યામાં ફતેપુરા તથા ઝાલોદ તાલુકા સહિત રાજસ્થાન તરફ થી આદિવાસી પ્રજા મેળાનો લહાવો લેવા સાથે મહાદેવજીના દર્શને ઉમટી પડે છે. તેવી જ રીતે આજરોજ મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે લોકોએ મહાદેવજીના દર્શન કર્યા હતા.
આ મંદિર પ્રાચીન સમયનું હોવાનું લોક મુખે ચર્ચાય છે. આ મંદિર ઝાલોદ તાલુકાના મુખ્ય મથક ઝાલોદ થી 10 કિલોમીટરના અંતરે ગરાડુ ગામ પાસે ડુંગરની હાર માળા વચ્ચે મજીતીયા ડુંગરની તળેટીમાં આવેલ છે. આ મંદિરમાં કુદરતી પથ્થરોની ગુફા આવેલ છે.જ્યાં મહાદેવજી બિરાજમાન છે.અહીંયા એ પણ વિશેષતા છે કે,પાણીની કટોકટી હોય કે દુષ્કાળની પરિસ્થિતિ હોય તેમ છતાં આ મંદિરની જગ્યામાં પથ્થરોની ઉપર પાણીનો ધોધ અવિરત વહેતો રહે છે.
લોકમુખે થતી ચર્ચા મુજબ આ જગ્યા ઉપર જંગલ વિસ્તાર હતો અને અહીંયાથી લગ્નની જાન જઈ રહી હતી. તેવા સમયે લૂંટારૂ ઓએ જાનૈયાઓને લૂંટી લીધા હતા અને ત્યારબાદ તમામ જાનૈયાઓની હત્યા કરવામાં આવી હતી. જેના લીધે આ સ્થળને જાનમાર્યા તરીકે પણ ઓળખવામાં આવે છે અને હાલમાં તેમની યાદમાં પાળીયો પણ મોજુદ છે. ખાસ કરીને આ સ્થળને આદિવાસી સમાજ દ્વારા આસ્થાનું પ્રતીક માનવામાં આવે છે. અને આ સ્થળે આવી મહાદેવના દર્શન કરી લોકો ધન્યતા પણ અનુભવી રહ્યા છે. જ્યારે બાજુમાં આવેલ મજીદિયા ડુંગર દેવની પણ આદિવાસી સમાજના લોકો માનતાઓ રાખી પોતાની મનેચ્છાઓ પૂરી કરતા હોવાનું પણ ચર્ચાય છે.
અત્રે નોંધનીય બાબત છે કે, વર્ષ દરમ્યાન જન્મેશ્ર્વર મહાદેવ મંદિર ગરાડુ ખાતે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ તથા દર્શનાર્થીઓનો પ્રવાહ ચાલુ રહે છે. ત્યારે આ મંદિરના વહીવટદાર મુનિયા ગળ્યાભાઈ મૂળજીભાઈ દ્વારા પ્રવાસન હેતુલક્ષી કામગીરી તેમજ આ સ્થળે યાત્રાળુઓની ભૌતિક સુવિધા માટે જેવા કે પીવાનું પાણી, શૌચાલય, સોલાર લાઈટ, ગાર્ડન ડેવલપમેન્ટ, સ્ક્રેપિંગ ફુવારા, આર્ટિફિકેશન, વોટરફોલ પેસેજ, ડિઝાઇનર ફ્લોરિંગ સ્કલ્પચર, બેઠક, પગથિયાની સુધારણા જેવા કામો માટે રાજ્ય સરકારના એકમ તરીકે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા પરિસરની અંદર યાત્રાળુઓને પ્રાથમિક સુવિધા પૂરી પાડવા સરકારનો નક્કર પ્રયાસ છે. તે અન્વયે દાહોદ જિલ્લા પ્રવાસન સમિતિમાં દરખાસ્ત પણ રજૂ કરવામાં આવેલ છે. જો જન્મેશ્ર્વર મહાદેવ મંદિર ગરાડુ પ્રત્યે લાગતા-વળગતા તંત્રો ધ્યાન આપે તો તેનો પ્રવાસન ધામ તરીકે બહોળી પ્રસિદ્ધિ થશે તેમજ તેનો વધુમાં વધુ પ્રવાસીઓ લાભ મેળવી શકે તેમ છે.