’ભાજપ-એનસીપી ગઠબંધનને શરદ પવારની મંજૂરી હતી’, ફડણવીસ તેમના નિવેદન પર અડગ

મુંબઇ,

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું છે કે, તેઓ તેમના દાવા પર અડગ છે, તેમણે નવેમ્બર ૨૦૧૯માં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતા અજિત પવાર સાથે જે સરકાર બનાવી હતી તેને એનસીપીના વડા શરદ પવારનું સમર્થન હતું. ફડણવીસે પોતાનું નિવેદન ૧૦૦ ટકા સાચું ગણાવ્યું હતું. નાયબ મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, આજે ચાલી રહેલી બાબતો પર હું કઈ પણ ટીપ્પણી નહિ કરું પરંતુ આવનારા સમયમાં એના ઉપર ચોક્કસથી બોલીશ અને હજુ સમય આવ્યો નથી.

થોડા સમય પહેલા ફડણવીસે કહ્યું હતું કે, શરદ પવારે અજિત પવાર સાથે બનેલી સરકારને પોતાની સંમતિ આપી દીધી હતી અને બધું તેમની જાણકારીથી થયું હતું. કસ્બા-ચિંચવડ પેટાચૂંટણીને લઈને ફડણવીસે પુણેમાં બેઠક યોજી હતી. આ બેઠક બાદ મીડિયા સાથે વાત કરતા દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, ૨૦૧૯માં અભિમન્યુની જેમ તેમને મુખ્યમંત્રી બનતા રોકવા માટે ચક્રવ્યુહ બનાવવામાં આવ્યો હતો. પરંતુ ચક્રવ્યુહને કેવી રીતે તોડવો તે અમે જાણતા હતા. અમે તે ચક્ર તોડ્યું અને એકનાથ શિંદે સાથે સરકાર બનાવી હતી.