અમદાવાદ,
એક વર્ષથી અલગ રહીને છુટાછેડાની અરજી કરનારા પતિ-પત્નિએ સરનામું એક જ દર્શાવ્યું હોવાના મુદ્દત ફેમીલી કોર્ટે છુટાછેડા આપવાની અરજી રદ કરી હતી. આ ચુકાદાને ફગાવીને હાઈકોર્ટે છુટાછેડા મંજુર કર્યા હતા. આ કેસમાં વડોદરાના એક યુગલે હાઈકોર્ટમાં ફેમીલી કોર્ટનાં આદેશની સામે ફર્સ્ટ અપીલ કરી હતી.
કેસની હકીક્ત એવી છે કે દંપતીના લગ્ન વર્ષ ૨૦૨૦ માં વડોદરા ખાતે હિન્દુ રીત રિવાજ મુજબ અને તેમના સમાજના નિયમો મુજબ થયા હતા. વડોદરા ખાતે જ આ લગ્નની નોંધણી પણ થઈ હતી. લગ્ન બાદ શરૂઆતમા આ બન્ને જણ વડોદરા ખાતે જ રહેતા હતા અને ત્યારબાદ તેઓ પૂણે શિફટ થઈ ગયા હતા. થોડા સમય બાદ તે બન્નેને એવો અહેસાસ થયો હતો કે તેમનું લગ્ન જીવન આગળ વધી શકશે નહિં.તેથી તેમણે સંમતીથી અલગ થઈ જવાનો નિર્ણય કર્યો હતો અને જાન્યુઆરી ૨૦૨૧ થી તેઓ જુદા જુદા રહેવા લાગ્યા હતા.
આ સમય ગાળાને એક વર્ષ થઈ ગયા બાદ તેમણે હિન્દુ મેરેજ એકટની ધારા ૧૩ (બી) હેઠળ છુટાછેડા લેવા માટે વડોદરાની ફેમીલી કોર્ટમાં અરજી કરી હતી. આ કેસમાં દંપતી કોર્ટ સમક્ષ ઉપસ્થિત થયા હતા અને બન્ને એક વર્ષથી જુદા રહેતા હોવાનું જણાવી છુટાછેડા આપવા માટેની વિનંતી કરી હતી.જોકે છુટાછેડાની અરજી ફેમીલી કોર્ટે માત્ર એ કારણે રદ કરી હતી કે તેમની પીટીશનમાં બન્નેનું પુણેનું સરનામું એક જ હતું.કોર્ટે એ માનવાનો ઈક્ધાર કર્યો હતો કે તેઓ એક વર્ષથી જુદા રહે છે.
તેથી આ આદેશને તેમણે હાઈકોર્ટમાં પડકાર્યો હતો. જેમાં હાઈકોર્ટે તબકકાવાર રીતે પતિ અને પત્નિ જોડે વાતચીત કરી હતી અને જેમાં સામે આવ્યુ હતું કે તેઓ હવે ફરીથી સાથે રહે તેવી કોઈ શકયતા નથી. છેલ્લા એક વર્ષથી તેઓ અલગ છે. અને બન્નેએ હાઈકોર્ટ સમક્ષ એ બાબત સોગંદનામા ઉપર રજુ કરી હતી. જેને રેકર્ડ પર લઈ હાઈકોર્ટે ફેમીલી કોર્ટનો આદેશ રદ કર્યો હતો અને છુટાછેડાને મંજુરી આપી હતી.