હાર્દિક પટેલની મુશ્કેલી વધી:પાટીદાર અનામત આંદોલનના કેસમાં હાજર ન રહેતાં ધ્રાંગધ્રા કોર્ટે ધરપકડ વોરંટ ઇસ્યુ કર્યું

સુરેન્દ્રનગર,

વિરમગામના ધારાસભ્ય અને પાટીદાર નેતા હાર્દિક પટેલની મુશ્કેલીમાં વધારો થયો છે. ધ્રાંગધ્રા કોર્ટે હાર્દિક પટેલ વિરૂદ્ધ ધરપકડ વોરંટ ઈસ્યુ જાહેર કર્યું છે. છે. પાટીદાર અનામત આંદોલન સમયની સભામાં આચાર સંહિતા ભંગ કેસમાં હાર્દિક પટેલ હાજર ન રહેતા આ કાર્યવાહી કરાઇ છે.

વર્ષ ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણી દરમિયાન હાર્દિક પટેલની ધ્રાંગધ્રાના હરિપર ગામમાં સભા યોજાઈ હતી. આ સભામાં આચારસંહિતાનો ભંગ થયો હતો અને આ બદલ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનમાં હાર્દિક પટેલ સામે ગુનો નોંધાયો હતો. આ મામલે ધ્રાંગધ્રા કોર્ટમાં તેમની વિરુદ્ધ કેસ ચાલી રહ્યો છે. જેની સુનાવણી માટે મુદત આપવામાં આવી હતી. જેમાં હાર્દિક પટેલ ગેરહાજર રહ્યા હતા. જેને લઇને કોર્ટે હાર્દિક સામે ધરપકડ વોરંટ ઇસ્યુ જાહેર કર્યું છે.

તાજેતરમાં જ જામનગર કોર્ટે હાર્દિક પટેલ સામે ચાલી રહેલા ૨૦૧૭ના એક કેસમાં નિર્દોષ જાહેર કર્યા હતા. ૪ નવેમ્બર ૨૦૧૭ના રોજ પાસ કન્વીનર હાર્દિક પટેલ તથા કન્વીનર અંક્તિ ઘાડીયા દ્વારા જામનગર નજીક ધુતારપુર-ધૂળશિયા ગામે પાટીદાર સમાજનું સામાજિક સુધારણા અને શૈક્ષણિક તથા ખેડૂતોનાં પ્રશ્ર્નોને લગતી પ્રશ્ર્નોનાં નિરાકરણ માટે એક સભા યોજવામાં આવી હતી. આ સભામાં લાઉડસ્પીકર, વિડિયોગ્રાફી, પંચો તથા સાહેદોના નિવેદનોના આધારે વિવાદાસ્પદ ભાષણો અંગે, ૧૨ જાન્યુઆરી ૨૦૧૮ના રોજ જામનગરના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં હાર્દિક પટેલ તથા અંક્તિ પટેલ વિરૂદ્ધ જીપી એકટની કલમ-૩૬(૩) તથા ૭૨(૨) તથા કલમ-૧૩૪ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જેમાં કોર્ટમાં સુનાવણી બાદ હાર્દિક પટેલને નિર્દોષ જાહેર કરાયા હતા.

અમદાવાદના નિકોલના વર્ષ ૨૦૧૮નો એક કેસ પણ હાર્દિક પટેલ પર ચાલી રહ્યો છે. જેમાં જાન્યુઆરીમાં સુનાવણી દરમિયાન હાર્દિક પટેલ ગેરહાજર રહ્યા હતા. જેના કારણે કોર્ટે સમન્સ પાઠવ્યું હતું. જોકે ૮મી ફેબ્રુઆરીએ ફરી તેઓ ગેરહાજર રહેતા અમદાવાદ ગ્રામ્ય કોર્ટે ટકોર કરી હતી.