દાહોદ,
દાહોદના લીમખેડાના રમતપ્રિય પરિવારે એક અનોખી સિદ્ધિ હાંસલ કરી છે. એક જ પરિવારના પતિ-પત્ની અને પુત્રએ રાજસ્થાનના અલવર ખાતે ગત તા. 6 ફેબ્રુઆરીના રોજ યોજાયેલ 17મા નેશનલ ઓપન એથ્લેટિક્ષ ચેમ્પિયનશિપ-2023 મા મેડલ મેળવવાની ગૌરવવંતી સિદ્ધિ હાંસલ કરી છે.
લીમખેડા તાલુકાના પાલ્લી ગામના સોમાભાઈ એલ.બારીઆ, તેમના પત્ની કમળાબહેન બારીઆ અને પુત્ર જિનેશ કુમારે પ્રથમવાર ઓપન એથ્લેટિક્ષ માં પ્રવેશ મેળવી જુદી જુદી રમતોમાં જ્વલંત સફળતા મેળવતા જિલ્લા માટે ગૌરવ બન્યા છે.
આ ખેલપ્રેમી પરિવારની સિદ્ધિ વિશે વાત કરીએ. બારીઆ પરિવારના કમળાબહેને 100 મીટર દોડ, 200 મીટર દોડ, લાબીકુદ અને 5 કિ.મી. રનીગમા પ્રથમક્રમે આવી દરેક રમતમાં ગોલ્ડ મેડલ મેળવી નોંધપાત્ર સફળતા પ્રાપ્ત કરી છે.
કમળાબહેનના પતિ સોમાભાઈ એલ.બારીઆએ 3 કિ.મી.વોકીગમા 2 જો નંબર મેળવીને સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો છે. જ્યારે રમતગમતને ગળથૂથીમાં લઈને આવનારા તેમના નાના પુત્ર જિનેશકુમાર બારીઆ એ 200 મીટર દોડમાં બીજો નંબર મેળવી સિલ્વર મેડલ અને લાંબી કૂદમા ત્રીજા નંબરે આવી બ્રોન્ઝ મેડલ મેળવી યશસ્વી સિંદ્ધિ પ્રાપ્ત કરેલ છે.
રાજ્યના અંતરિયાળ વિસ્તારમાં આવેલ બે પુત્રોના માતા-પિતા અને પુત્રે ભવ્ય સિદ્ધ મેળવી યુવાનોને પ્રેરક માર્ગદર્શન પુરૂ પાડ્યું છે.