વડોદરા,
વડોદરામાં સરકારી જમીન પર બનેલ વ્હાઇટ હાઉસ બંગલાનો વિવાદ ચર્ચાનો વિષય બન્યો છે. શહેરના છેવાડે દંતેશ્ર્વર વિસ્તારમાં આવેલ આશરે ૧૫ લાખ ચોરસ ફૂટથી વધુની સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણો કરનાર વ્હાઇટ હાઉસના અનઅધિકૃત દબાણ તોડી પાડવાની કાર્યવાહી આજે શરૂ કરવામાં આવી હતી. જિલ્લા કલેકટર કચેરીના માર્ગદર્શન હેઠળ સિટી સર્વે સુપ્રિન્ટેડન્ટ કચેરી દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જોકે, હવે હાઇકોર્ટે બપોરે ૨.૩૦ વાગ્યા સુધી સ્ટેટસ સ્કો આપ્યું છે. જેથી વ્હાઈટ હાઉસ તોડી પાડવાની કામગીરી સ્થગિત કરવામાં આવી છે. જમીનના બાંધકામનું દબાણ તોડવાની કામગીરી પર સ્ટે આપવામાં આવ્યો છે. સરકારી વકીલે ટેલીફોનીક જાણ કરતા સિટી સર્વે સુપ્રિટેન્ડેન્ટે દબાણ તોડવાની કામગીરી અટકાવી છે.
શહેરમાં સરકારી જમીન પર બનેલા વ્હાઇટ હાઉસ સહિતના ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી આજે સવારે ૧૧ વાગ્યાથી શરૂ કરવામાં આવી હતી. પોલીસને સાથે રાખીને સિટી સર્વે સુપ્રિન્ટેડન્ટ કચેરી અને પાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી.
વડોદરામાં ભૂમાફીયા સંજયસિંહ પરમારે દંતેશ્ર્વર કસ્બાની વાઘોડિયા રોડ ડી માર્ટની પાછળ આવેલી ૧૦૦ કરોડની કિંમતની સરકારી જમીન ઉપર શરત ફેર અને બિનખેતીના ખોટા દસ્તાવેજો બનાવ્યા હતા. આ સાથે આ જમીન ઉપર પોતાનો આલિશાન બંગલો ઉપરાંત ડુપ્લેક્ષની સ્કીમ પણ મૂકી હતી. ઉપરાંત આ સ્કીમના ડુપ્લેક્ષના ૨૭ લોકોને દસ્તાવેજો પણ કરી આપ્યા હતા. જે બાદ આ વ્હાઇટ હાઉસ અને કાનન વિલાની જમીન સરકારી હોવાનું સામે આવ્યું હતું.
આ મામલો બહાર આવ્યા બાદ કલેક્ટર દ્વારા સુઓમોટો કરી ડે.કલેક્ટરને તપાસ સોંપી હતી. આ જમીન બાબતે પૂર્વ વિપક્ષી નેતાએ પણ કલેક્ટર, મુખ્યમંત્રી અને હાઈકોર્ટમાં પણ અરજી કરી હતી. લેન્ડગ્રેબિંગ કમિટીના આદેશથી પોલીસે ગુનો દાખલ કર્યો હતો. વડોદરાના વ્હાઈટ હાઉસની જમીનમાં લેન્ડ ગ્રેબિંગ મામલે ક્રાઇમ બ્રાન્ચે તપાસનો ધમધમાટ શરુ કર્યો છે. ક્રાઇમ બ્રાંચે ભૂમાફીયા સંજયસિંહ પરમારની ધરપકડ કરી હતી. આ સાથે ક્રાઇમ બ્રાંચની ટીમે આરોપીને સાથે રાખી કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર પહોંચીને પંચનામું સહિત વિવિધ દસ્તાવેજો કબજે કર્યાં હતા.
તપાસમાં સામે આવ્યું હતું કે, સરકારી જમીન પર ગેરકાયદે બાંધકામની ૯ વર્ષથી તલાટીને ખબર હતી. તલાટીએ લેન્ડ રેકર્ડમાં વર્ષ ૨૦૧૨-૧૩માં ગેરકાયદે બાંધકામ અંગે એન્ટી પાડી હતી. સાથે જ તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે તલાટીએ લેન્ડ રેકર્ડમાં બી.પ. બાંધકામ તેવી સ્પષ્ટ એન્ટ્રી પાડી હતી. છેલ્લા ૯ વર્ષથી ગેરકાયદેસર બાંધકામની જાણ હોવા છતાં કલેક્ટર કચેરીના તંત્રએ કોઈ પગલાં ન ભર્યા. આ ઉપરાંત આ ગેરકાયદેસર બાંધકામ કરનારાએ બાજુની જ સરકારી જમીન પર કાનન વિલા નામની એક સાઈટ બનાવી હતી. તેણે કાનન વિલામાં ૨૭ લોકોને દસ્તાવેજ પણ કરી આપ્યા હતા. બોગસ બિન ખેતીનો હુકમ, બોગસ રજા ચિઠ્ઠી છતાં તંત્રએ કોઈ કાર્યવાહી કરી નહોતી.
સરકારી જમીન પર ગેરકાયદેસર બાંધકામ કરાયેલ વ્હાઇટ હાઉસ નામે ઓળખાતા લક્ષ્મી નિવાસ નામના બંગલાને સ્વેચ્છાએ તોડી નાખવા માટે મામલતદાર કચેરી દ્વારા નોટિસ આપવામાં આવી હતી. તો તેની નજીક આવેલા કાનન વિલા સ્કીમમાં દસ્તાવેજો કરી લેનાર ૨૭ને પણ નોટિસો આપી સ્વેચ્છાએ તોડી પાડવાની સૂચના આપવામાં આવી હતી..
સમગ્ર સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણ કરવા મામલે સરકારી વિભાગોએ અવાર નવાર આપેલ નોટિસનો સમયગાળો પૂર્ણ થઈ ગયો હતો. તે બાદ આજે સિટી સર્વે કચેરી મામલતદાર દક્ષિણના કલમ ૬૧ મુજબ હુકમ અંતર્ગત અહીં સમગ્ર જમીન પર ઉભા થયેલા ગેરકાયદેસર દબાણો તોડી પાડવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ જમીનની આજુબાજુના ગેરકાયદેસર બંગલોઝની સ્કીમના દબાણો તોડી પાડવા માટે સવારથી અહીં વિવિધ સરકારી વિભાગોનો સ્ટાફ ખડે પગે તૈનાત કરી દેવામાં આવ્યો હતો.