ગુજરાતમાં પહેલીવાર હલવા સેરેમની કેન્દ્ર સરકારની જેમ સુરત મનપા દ્વારા બજેટ બાદની સામાન્ય સભા પહેલા હલવા સેરેમની,વિપક્ષે ટીકા કરી

સુરત,

કેન્દ્ર સરકારમાં જ્યારે બજેટ રજૂ થાય છે ત્યારે હલવો બનાવવામાં આવતો હોય છે. આપણા ત્યાં પરંપરા છે કે કોઈ સારા સમાચાર હોય તો તેની લાગણી વ્યક્ત કરવા માટે લાપસીના આંધણ મુકાતા હોય છે કે હલવો બનાવવામાં આવતા હોય છે. સુરત મહાનગરપાલિકા પણ કેન્દ્ર સરકારના રસ્તે આગળ ચાલી રહી છે અને આજે સામાન્ય સભા શરૂ થાય તે પહેલા હલવા સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરતના મેયર હેમાલી બોઘાવાલાએ જણાવ્યું હતું. અંદાજે આ ગુજરાતમાં પહેલીવાર છે.

સુરત મહાનગરપાલિકા દ્વારા રજુ કરેલા બજેટ બાદ આજે સામાન્ય સભાનો પહેલો દિવસ હતો. આ સામાન્ય સભામાં તમામ મેયર સહિતના પદાધિકારીઓ કોર્પોરેટરો પહોંચે તે પહેલા હલવા સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેરેમનીમાં શાસક પક્ષના નેતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના તમામ કોર્પોરેટરો હાજર રહ્યા હતા. સામાન્ય સભા શરૂ થાય તે પહેલા મેયર દ્વારા તમામ કોર્પોરેટરોનું મોઢું મીઠું કરાવવામાં આવ્યું હતું. કેન્દ્ર સરકારની માફક સુરત મહાનગરપાલિકાના ઇતિહાસમાં પહેલી વખત આ પ્રકારે હલવા સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેની શહેરભરમાં ભારે ચર્ચા ચાલી રહી છે.

સુરત મહાનગરપાલિકામાં છેલ્લા કેટલાક દિવસોથી મેયર અને મ્યુનિસિપલ કમિશનર વચ્ચે ખટરાગ ઉભો થયો હોય તેવી ચર્ચા ચાલી રહી છે. એવી પણ વાતો સામે આવે છે કે મેયરને કમિશનર જરા પણ ગાંઠતા નથી. મેયર દ્વારા કરવામાં આવેલા સૂચનોને પણ કમિશનર દ્વારા ગણકારવામાં આવતા નથી. આજે સામાન્ય સભા પહેલા હલવા સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં પણ મ્યુનિસિપલ કમિશનર અને વિરોધ પક્ષના નેતા અને કોર્પોરેટરો હાજર રહ્યા ન હતા. હલવા સેરેમનીમાં મ્યુનિસિપલ કમિશનરની ગેરહાજરી સ્પષ્ટ કરી રહી છે કે મેયર અને મ્યુનિસિપલ કમિશનર વચ્ચે તાલમેલ નથી.

વિરોધ પક્ષના નેતા ધર્મેશ ભંડેરીએ જણાવ્યું કે સુરત મહાનગરપાલિકાના સત્તાધીશોને જાણે લોકોને મુશ્કેલીમાં મૂકવા અને આર્થિક બોજો આપવામાં વધુ રસ પડી રહ્યો છે. હજારો કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. જેમાં ૩૦૦ કરોડ કરતાં વધારાનો વેરો સુરતવાસીઓ ઉપર નાખવામાં આવ્યો છે. બજેટની અંદર સામાન્ય પ્રજાના વિકાસશીલ કામો ઓછા ખર્ચ અને સમયસર પૂર્ણ થાય તેનું ધ્યાન રાખવું જોઈએ. પ્રજા ઉપર વધારાના બોજ કર સ્વરુપે ન નાખવા જોઈએ છતાં પણ મનપાના સત્તાધિશોને જાણે લોકોની કોઈ જ ચિંતા ન હોય તે પ્રમાણે એક તરફ વેરો ઝીંકીને આર્થિક બોજ આપી રહ્યા છે અને બીજી તરફ તેઓ હલવા પાર્ટી કરી રહ્યા છે જે ખરેખર યોગ્ય નથી. પ્રજા ઉપર બોજો નાખીને કડવાસ પીરસનાર શાસકોનો મીઠો હલવો ખાવાનો વ્યવહાર અમને યોગ્ય લાગતો નથી.