નાલાસોપારા,
નાલાસોપારામાં લિવ-ઇન રિલેશનમાં રહેતા ૨૬ વર્ષના ગુજરાતી યુવક હાર્દિક શાહ સાથે પ્રેમસંબંધમાં રહેતી ૩૬ વર્ષની મેઘાની હત્યા કરીને હાર્દિકે તેનો મૃતદેહ પલંગની અંદર નાખી દીધો હતો અને ઘરનો સામાન વેચી એના પૈસા લઈને ફરાર થઈ ગયો હતો. આ બનાવની જાણ થતાં નાલાસોપારાની તુલિંજ પોલીસે તાત્કાલિક તપાસ કરીને હાર્દિકને આરપીએફની મદદથી પુષ્પક એક્સપ્રેસમાંથી મધ્ય પ્રદેશના નાગદા જંક્શન પરથી પકડી પાડ્યો હતો. હાર્દિક સારા પરિવારનો છે, પરંતુ તેનાં ખરાબ લક્ષણોને કારણે પરિવારે પણ તેને કાઢી મૂક્યો હતો અને તેની સાથે સંબંધ પણ તોડી નાખ્યા હતા. ગઈ કાલે તુલિંજ પોલીસની ટીમ તેને પકડીને નાલાસોપારામાં લાવી હતી.
નાલાસોપારા-ઈસ્ટના તુલિંજ વિસ્તારમાં આવેલા સીતા સદન બિલ્ડિંગમાંથી મેઘા નામની યુવતીનો કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. ઘરમાંથી દુર્ગંધ આવતાં પાડોશીઓએ પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ કરતાં મેઘાની ડેડ-બૉડી મળી આવી હતી. તેની સાથે રહેતો તેનો પ્રેમી ફરાર હોવાથી પોલીસને તેના પર શંકા ગઈ હતી. એથી પોલીસે તપાસ કરતાં જાણ થઈ હતી કે તે ભાગી ગયો હતો.
હત્યાના આ બનાવ વિશે માહિતી આપતાં તુલિંજ પોલીસ સ્ટેશનના વરિષ્ઠ પોલીસ ઇન્સ્પેક્ટર શૈલેન્દ્ર નાગરકરે જણાવ્યું હતું કે ‘શરૂઆતમાં અમને એવી માહિતી મળી હતી કે તેઓ પતિ-પત્ની છે, પણ હાર્દિક અને મેઘાનાં લગ્ન થયાં નથી. પહેલાં પાડોશીઓએ માહિતી આપી હતી કે તેઓ શાહ દંપતી છે, પરંતુ તપાસમાં બહાર આવ્યું કે તેઓ છ મહિનાથી લિવ-ઇન રિલેશનમાં રહેતાં હતાં. સીતા સદન બિલ્ડિંગમાં તેઓ થોડા દિવસ પહેલાં જ રહેવા આવ્યાં હતાં. જોકે તેઓ ત્રણ વર્ષથી પ્રેમસંબંધમાં હતાં. ૨૬ વર્ષનો હાર્દિક બેરોજગાર હતો અને કોઈ કામ કરતો નહોતો. મેઘા નર્સ હતી અને તે ઘરનું પૂરું કરતી હતી. હાર્દિક કોઈ કામ કરતો ન હોવાથી અને ઘરે બેસી રહેતો હોવાથી બન્ને વચ્ચે આ વાતને લઈને ખૂબ બોલાચાલી થતી હતી. મેઘાએ પણ કંટાળીને તેને કહ્યું કે હું પણ કામ પર નહીં જાઉં. બન્ને વચ્ચે થયેલી બોલાચાલીમાં હાર્દિક તેનું ગળું દબાવીને હત્યા કરી નાખી અને ઘરનો સામાન વેચીને ફરાર થઈ ગયો હતો.’
શૈલેન્દ્ર નાગરકરે વધુમાં કહ્યું હતું કે ‘મૃતદેહ મળતાં પોલીસની ટીમે તપાસ શરૂ કરીને વિવિધ સ્થળના સીસીટીવી કૅમેરાનાં ફુટેજ તપાસ્યાં હતાં. એમાં રેલવે સ્ટેશનના ફુટેજ પરથી તે સ્ટેશન પર હોવાનું અને ટ્રેનમાં જતો હોવાનું જણાયું હતું. એથી રેલવે પોલીસને જાણ કરતાં હાર્દિક ને મધ્ય પ્રદેશના નાગદા જંક્શન પરથી પકડી પાડ્યો હતો. તેની પૂછપરછ કરતાં તેઓ લિવ-ઇન રિલેશનમાં રહેતાં હોવાનું જણાવ્યું હતું. તપાસ દરમિયાન હાર્દિક ના ભાઈંદરમાં રહેતા પરિવારનો સંપર્ક કર્યો હતો. ત્યાંથી પણ અમને ચોંકાવનારી વાતો જાણવા મળી હતી. હાર્દિક પહેલાં પરિવાર સાથે ભાઈંદરમાં રહેતો હતો. તેના પપ્પા ડાયમન્ડ મર્ચન્ટ છે. હાર્દિક દસમા ધોરણમાં ફેલ થયા બાદ ભણ્યો નહોતો. તેણે એક વખત સુસાઇડ કરવાની કોશિશ કરી હતી અને માતા-પિતાને કહ્યું કે હું પોલીસને કહીશ કે તમે મને મારી નાખવાની કોશિશ કરી હતી. એટલું જ નહીં, તે ઘરમાંથી ૩૦થી ૪૦ લાખ રૂપિયાના સ્ટોન્સ ચોરીને ભાગી ગયો હતો. પરિવારે ત્યાર બાદ તેને ઘરમાંથી કાઢી મૂક્યો હતો.’
સીતા સદન બિલ્ડિંગમાં રહેતા પાડોશીઓએ કહ્યું હતું કે તેમના ફ્લેટ માંથી દુર્ગંધ આવતાં અમે પોલીસને જાણ કરી હતી. આ લોકો થોડા દિવસ પહેલાં રહેવા આવ્યા હતા એટલે વધુ ઓળખતા નથી, પણ તેમની વચ્ચે વારંવાર બોલાચાલી થતી રહેતી હતી.અમે મેઘાને પહેલેથી જ સાવચેત કરી હતી કે હાર્દિક તારા લાયક નથી એમ કહેતાં દેરાવાસી જૈન સમાજની ભાઈંદરમાં બાવન જિનાલય પાસેના વિસ્તારમાં રહેતી હાર્દિક ની મમ્મીએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘હાર્દિક ને આઠમા ધોરણથી જ ખરાબ સંગત મળી હતી. તેને અમે સુધારવાની ખૂબ કોશિશ કરી હતી, પણ તે દિનવસે ને દિવસે વધુ બગડવા લાગ્યો હતો. તે દસમા ધોરણમાં પણ નાપાસ થયો હતો અને આમથી તેમ ફરતો હતો. અમે તેનાં માતા-પિતા હોવા છતાં તે અમારા પર હાથ ઉપાડતો હતો. એક વખત તો તેણે પિતાનો હાથ તોડી નાખતાં તેમને હૉસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. જે દીકરો માતા-પિતા પર જ હાથ ઉપાડતો હોય તે બીજી મહિલાને શું સાચવે. હાર્દિક મેઘાને એક વખત મળવા લઈને આવ્યો ત્યારે મેઘાએ અમને ખૂબ કહ્યું કે અમારાં લગ્ન કરાવી આપો. ત્યારે મેં તેને ખૂબ સમજાવી કે તું ભણેલી છે અને સારું કમાય છે તો શું કામ તું આની સાથે તારું જીવન ખરાબ કરે છે, તે તારા લાયક નથી; પરંતુ તે સમજવા તૈયાર જ નહોતી.’