મુંબઇ,
મુંબઇ-અમદાવાદ હાઇવે પર પાલઘર પાસે રસ્તો ઓળંગી રહેલ એક બાઇકને ટ્રકે અડફેટમાં લેતા ટાયર હેઠળ કચડાઇ જવાથી ત્રણ જણના મોત થયા હતા. પાલઘરના ચારોટી એશિયન પેટ્રોલ પંપ પાસે આ અકસ્માત આજે સવારે સર્જાયો હતો.
ટ્રકની અડફેટે આવ્યા બાદ આ બાઇક ટ્રક હેઠળ ૧૦૦ મીટર દૂર સુધી ઘસડાયું હતું જેમાં ત્રણ જણના પ્રાણ પંખેરુ ઉડી ગયા હતા. આ ઘટનાની જાણ થયા બાદ પોલીસો ઘટનાસ્થળે ધસી આવ્યા હતા અને મદદકાર્ય શરૃ કર્યું હતું. આ ઘટના બાદ ભડકેલા સ્થાનિકો રસ્તા પર દોડી આવ્યા હતા અને આક્રમક થઇ રસ્તા રોકો કરવાની ચેતવણી આપી હતી. જોકે સ્થાનિક પોલીસ અને પ્રશાસનની ભારે સમજાવટ બાદ તેમણે રસ્તા રોકો મોકૂફ રાખ્યું હતું.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મુંબઇ-અમદાવાદ હાઇવે પર પાલઘર જિલ્લામાં દહાણૂ તાલુકાના ચારોટી નજીક એશિયન પેટ્રોલ પંપ પાસે આજે સવારે ગુજરાતથી મુંબઇ તરફ આવી રહેલ એક કન્ટેનર ટ્રકે રસ્તો ઓળંગી રહેલ એક બાઇકને અડફેટે લીધું હતું.
આ ઘટના બાદ લગભગ ૧૦૦ મીટર સુધી બાઇક ટ્રક હેઠળ ઘસડાયું હતું જેમાં બાઇકમાં સવાર ત્રણ જણના ટ્રકના ટાયર હેઠળ આવી જવાથી ઘટનાસ્થળે જ મોત થયા હતા. મૃતક ત્રણેય જણ પાસેના તલાસરીના રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતું. હાઇ-વે ઓથોરિટીની બેદરકારીને લીધે આ અકસ્માત થયો હોવાનો આરોપ કરવામાં આવી રહ્યો છે. હાઇવે પર અનેક જગ્યાએ સવસ રોડનું કામ અધુરું પડતું મૂકવામાં આવ્યું હોવાનું કહેવાય છે. આ ઘટના બાદ પોલીસે આગળની કાર્યવાહી કરી વધુ તપાસ શરૃ કરી છે.