પશ્ર્ચિમ બંગાળમાં એનડીએને ૨૦ સીટો મળવાની આશા છે.

નવીદિલ્હી,

લોક્સભાની ચૂંટણીને આડે માંડ એક વર્ષ બાકી છે. તમામ પક્ષોએ પોતાના રથને ચૂંટણીના મેદાન તરફ વાળ્યા છે. પીએમ મોદીના નેતૃત્વમાં એનડીએ ત્રીજી વખત જીતવાની કોશિશ કરી રહી છે, તો પીએમ બનવાની આશા રાખતા અન્ય ઘણા ચહેરાઓ પુરી તાકાત લગાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. મમતા બેનર્જીનું નામ પણ તેમાંથી એક છે. આ દરમિયાન એક સર્વે આવ્યો છે, જેના પરિણામો મમતા બેનર્જીની આશાઓ પર ફટકો સાબિત થઈ શકે છે.

સી વોટર અને ઈન્ડિયા ટુડેએ તાજેતરમાં એક સર્વે કર્યો છે જેમાં દેશનો મિજાજ જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. એવો દાવો કરવામાં આવ્યો છે કે સર્વેમાં દેશભરમાં ૧.૩૯ લાખથી વધુ લોકોના મત જાણવામાં આવ્યા છે. સર્વેના પરિણામો મમતા બેનર્જી માટે ખરાબ સમાચાર લઈને આવ્યા છે. સર્વે મુજબ રાજ્યમાં એનડીએની બેઠકો વધી રહી છે. માત્ર છ મહિનામાં રાજ્યનું સમગ્ર ચિત્ર બદલાઈ ગયું છે.

પશ્ર્ચિમ બંગાળમાં લોક્સભાની ૪૨ બેઠકો છે. ૨૦૧૯ની લોક્સભા ચૂંટણીમાં એનડીએએ શાનદાર પ્રદર્શન કરીને ૧૮ બેઠકો કબજે કરી હતી. તો શાસક તૃણમૂલ કોંગ્રેસને રાજ્યમાં માત્ર ૨૨ બેઠકો મળી હતી. જાન્યુઆરી ૨૦૨૩માં આવેલા તાજેતરના સર્વેમાં એનડીએની બેઠકો વધી રહી છે.

સર્વે અનુસાર પશ્ર્ચિમ બંગાળમાં એનડીએને ૨૦ સીટો મળવાની આશા છે. માત્ર ૬ મહિના પહેલા કરવામાં આવેલા સર્વેમાં ભાજપ રાજ્યમાં બે આંકડાને પણ સ્પર્શી શક્યું ન હતું. ઓગસ્ટ ૨૦૨૨માં આ જ એજન્સીએ સર્વે કર્યો હતો. તે સમયે એનડીએને માત્ર ૭ બેઠકો મળવાનો અંદાજ હતો.સર્વેમાં એનડીએની બેઠકો જે રીતે વધી છે તે ટીએમસી સુપ્રીમો મમતા બેનર્જી માટે ખતરાની ઘંટડી સમાન છે. ૨૦૨૧ માં યોજાયેલી રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં ટીએમસી એક્તરફી જીતી હતી. રાજ્યની ૨૮૪ સીટોમાંથી ૨૧૧ સીટો ટીએમસીના ખાતામાં ગઈ. જો તમે તાજેતરના સર્વે પર નજર નાખો તો, લોક્સભા ચૂંટણીમાં ટીએમસીની લોકપ્રિયતા ઘટી છે અને ભાજપ તરફ લોકોનો ઝુકાવ વધ્યો છે.

મમતા બેનર્જી માટે રાહતની વાત છે કે વિપક્ષના નેતા તરીકે તેમને પસંદ કરનારા લોકોની સંખ્યામાં વધારો થયો છે. જાન્યુઆરી ૨૦૨૨ના સર્વેમાં ૧૭ ટકા લોકોએ મમતા બેનર્જી વિપક્ષના નેતા બનવાની સંભાવના જોઈ હતી, જે એક વર્ષ પછી જાન્યુઆરી ૨૦૨૩માં વધીને ૨૦ ટકા થઈ ગઈ છે.સર્વે અનુસાર જો આજે લોક્સભાની ચૂંટણી યોજાય તો ૨૯૮ સીટો સાથે ફરી એનડીએની સરકાર બનશે. કોંગ્રેસના નેતૃત્વમાં યુપીએને ૧૫૩ બેઠકો મળી રહી છે, જ્યારે અન્ય પક્ષોને ૯૨ બેઠકો મળવાનું અનુમાન છે.