વડોદરા પોલીસ નિર્મિત ફિલ્મ ‘ખપ્પર’નો કરણી સેના દ્વારા વિરોધ, ફિલ્મને રોકવા ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીને અનુરોધ કર્યો

વડોદરા,

વ્યાજખોરોના ત્રાસમાંથી છોડાવવા વડોદરા પોલીસે શોર્ટ ફિલ્મનો નવતર પ્રયોગ હાથ ધર્યો છે. ત્યારે હવે વડોદરા પોલીસના આ નવતર અભિગમનો કરણી સેના વિરોધ કરી રહી છે. ઘટનાની વાત કરીએ તો વડોદરા પોલીસે વ્યાજખોરોના ત્રાસથી શહેરીજનો જાગૃત બને તે માટે અવેરનેસ ફિલ્મ ‘ખપ્પર’ બનાવી તેને પ્રસિદ્ધ કરી છે. આ શોર્ટ ફિલ્મમાં ૩ પીઆઇ અને ૧ એસીપીએ અભિનય પણ કર્યો છે. કરણી સેના મુજબ વડોદરા પોલીસની શોર્ટ ફિલ્મ ‘ખપ્પર’માં ક્ષત્રિય સમાજને ટાર્ગેટ કરી ખોટું ચિત્રણ કરાયું છે. કરણી સેનાએ ફિલ્મને અટકાવવા માટે ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીને પણ અનુરોધ કર્યો છે.

મહત્વનું છે કે એક તરફ રાજ્યમાં વ્યાજખોર સામે પોલીસ દ્વારા કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જરૂરિયાત મંદ લોકોની મજબૂરીનો લાભ ઉઠાવીને આ વ્યાજખોરો પૈસા આપીને તગડું વ્યાજ વસૂલતા હોવાના અનેક કિસ્સાઓ રાજ્યમાં એક પછી એક સામે આવી રહ્યા છે. ત્યારે રાજય સરકારે લાલ આંખ કરતા વ્યાજ ખોરો વિરૂદ્ધ ચાલી રહેવી મેગા ડ્રાઇવ ચલાવી છે. ત્યારે આ પહેલ અંતર્ગત જ વડોદરા પોલીસે ફિલ્મ ‘ખપ્પર’ બનાવી છે. જો કે કરણી સેના દ્વારા તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.

રાજ્યભરમાં વ્યાજખોરીનું દૂષણ ડામવા ગૃહ રાજ્યપ્રધાને આપેલા આદેશ અંતર્ગત ઠેર-ઠેર લોકદરબાર યોજીને પોલીસ દ્વારા વ્યાજખોરો સામે ગુના નોંધવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. અત્યારસુધીમાં એવું લાગતુ હતુ કે માથાભારે તત્વો જ વ્યાજખોરી કરતા હશે. પરંતુ હવે એવી હકીક્ત સામે આવી છે કે વ્યાજખોરીના આ દૂષણમાં ડૉક્ટરો, અધ્યાપકો અને વકીલો પણ સામેલ છે. થોડા દિવસ પહેલા આવા ૨૨૮ વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાઈ છે. લોકોને લૂંટી લેનારા વ્યાજના વરૂઓ વિરૂદ્ધ ૧૦૭ ગુના દાખલ કરાયા છે.

ગુજરાતમાં વ્યાજખોરો વિરુદ્ધ પોલીસે ખાસ ડ્રાઇવ શરૂ કરી છે.ત્યારે વડોદરામાં તો પોલીસે એક કદમ આગળ વધીને વ્યાજખોરોની પેઢી અને ઓફિસ પર સર્ચ હાથ ધર્યું છે.વડોદરામાં વ્યાજખોરોની પેઢી, ઓફિસો પર ક્રાઇમ બ્રાન્ચે દરોડા પાડીને સપાટો બોલાવી દીધો છે. વડોદરામાં છેલ્લા કેટલાક દિવસમાં પોલીસે અનેક લોકદરબાર પણ યોજ્યા છે.