ભુજ,
રાજ્યમાં દારૂ-જુગારની પ્રવૃત્તિને નેસ્તોનાબૂદ કરવા માટે ધડાધડ દરોડા કાર્યવાહી કરી રહેલા સ્ટેટ મોનિટરિંગ સેલે ગાંધીધામ (કચ્છ પૂર્વ)ના ભચાઉમાં આવેલા આદ્યશક્તિ પોલિમર્સના ગોડાઉનમાં દરોડો પાડીને દારૂનો મોટો જથ્થો પકડી પાડતાં બૂટલેગરોમાં ફફડાટ ફેલાઈ ગયો છે સાથે સાથે સ્થાનિક પોલીસની કામગીરી ઉપર પણ સવાલો ઉઠવાનું શરૂ થઈ ગયું છે. સ્ટેટ મોનિટરિંગ સેલે અહીંથી ૫૦ લાખની કિંમતની ૨૩૯૬૪ વિદેશી દારૂની બોટલ સાથે તળાજા અને ભચાઉના બે બૂટલેગરોની ધરપકડ કરી છે જ્યારે દરોડો પડતાં જ ૧૦ જેટલા લોકો ફરાર થઈ ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે.
ભચાઉના ઉપરોક્ત ગોડાઉનમાં દારૂનો મોટો જથ્થો ઉતર્યો હોવાનું અને તેનું કટિંગ થઈ રહ્યાની બાતમી મળતાં જ સ્ટેટ મોનિટરિંગ સેલના ડીવાયએસપી કે.ટી.કામરિયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એ.ડી.ચાવડા સહિતના સ્ટાફે ત્રાટકીને દરોડો પાડતાં ત્યાં રહેલા બૂટલેગરોમાં નાસભાગ મચી ગઈ હતી. આ અગાઉ પણ અહીં દારૂનું મોટાપાયે કટિંગ થઈ ગયાનું ચર્ચાઈ રહ્યું છે ત્યારે સ્થાનિક પોલીસ શું કરી રહી હશે તે પ્રશ્ર્ન પણ ઉપસ્થિત થયા વગર રહેતો નથી.
સ્ટેટ મોનિટરિંગ સેલે અહીંથી ૫૦,૬૬,૧૦૦ની કિંમતની ૨૩૯૬૪ બોટલ વિદેશી દારૂ, ૨૨.૭૫ લાખની કિંમતના ચાર વાહન, ચાર મોબાઈલ સહિત કુલ ૭૩,૫૬,૦૦૦નો મુદ્દામાલ કબજે કરી ભાવનગરના તળાજામાં રહેતો કિશોરસિંહ દાનુભા સરવૈયા અને ભચાઉના ભવાનીપુરમાં રહેતો પ્રહલાદ અરજણભાઈ ઠાકોરની ધરપકડ કરી છે જ્યારે દારૂનું કટિંગ કરનાર મુખ્ય આરોપી અશોકસિંહ ઉર્ફે મામા બાલુભા જાડેજા, તેનો ભાગીદાર ભગીરતસિંહ દૂર્ગેશનસિંહ જાડેજા, શિવમસિંહ નરેન્દ્રસિંહ જાડેજા, ગોડાઉન માલિક મોહનસિંહ રાણા ઉપરાંત ભૂરો ઠાકોર, જયંતી પેઠાજી ઠાકોર, રમેશ ઠાકોર, અરજણ કચરા ઠાકોર, ટેક્ધર, બોલેરો અને ટ્રેક્ટરનો ડ્રાઈવર સહિતના ૧૧ લોકો ફરાર થઈ જવામાં સફળ થઈ જતાં તેમને પકડવા તજવીજ શરૂ કરી છે. જાણવા મળ્યા પ્રમાણે પકડાયેલો બૂટલેગર લિસ્ટેડ હોવાનું અને તે આ પહેલાં પણ અનેકવાર પ્રોહિબિશનની કલમો હેઠળ પોલીસ ચોપડે ચડી ગયો હોવાનું જાણવા મળી રહ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્રમાંથી દરરોજ કોઈને કોઈ જિલ્લામાંથી સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દારૂનો મોટો જથ્થો પકડવામાં આવી રહ્યો છે ત્યારે અહીં સુધી દારૂ કેવી રીતે પહોંચી જતો હશે તે પણ એક યક્ષપ્રશ્ર્ન છે. આ ઉપરાંત દારૂનો આટલો મોટો જથ્થો ઉતરી જાય અને તેનું કટિંગ પણ થઈ જાય ત્યાં સુધી સ્થાનિક પોલીસ ઉંઘતી જ રહેતી હોવાથી તેની કામગીરી પણ સવાલોના દાયરામાં આવી જાય છે. સ્ટેટ મોનિટરિંગ સેલે ઉપરોક્ત સ્થળે દરોડો પાડ્યો તે વિસ્તાર ભચાઉ પોલીસ મથકની હદમાં આવતો હોવાથી આગામી સમયમાં બેદરકારી બદલ અહીંના સ્ટાફ ઉપર આકરી કાર્યવાહી તોળાઈ રહ્યાનું પણ જાણવા મળી રહ્યું છે.