રેલવે કર્મચારીઓએ બોનસની ચુકવણીમાં વિલંબ થયો હોવાના કારણે મંગળવારે દેશભરમાં વિરોધ પ્રદર્શન કર્યું, ઓલ ઇન્ડિયા રેલ્વે મેન્સ ફેડરેશને તેની માહિતી આપી. ફેડરેશને જણાવ્યું કે જો બોનસ તાત્કાલિક જાહેર કરવામાં ન આવે તો તેઓ વિરોધ પ્રદર્શન અને સીધી કાર્યવાહી કરવા મજબુર થશે.
ફેડરેશનના જનરલ સેક્રેટરી શિવ ગોપાલ મિશ્રાએ એક નિવેદન બહાર પાડીને કહ્યું છે કે ઉત્પાદકતા સંબંધિત બોનસની ચુકવણીમાં બિનજરૂરી વિલંબ સામે તમામ ફેડરેશનની-માન્યતા પ્રાપ્ત યુનિયનોએ દેશભરમાં વિરોધ નોંધાવ્યો છે.
તેમણે કહ્યું કે ગઈકાલે રેલ્વે બોર્ડ દ્વારા કડક કાર્યવાહી કરવાની ચેતવણી આપી હોવા છતાં આ વિરોધ પ્રદર્શનમાં દેશભરમાં આઠ લાખથી વધુ રેલ્વે કર્મચારીઓએ ભાગ લીધો હતો.
મિશ્રાએ કહ્યું કે આ બોનસ 2019-20 માટે આપવામાં આવનાર છે જ્યારે કોરોના વાયરસ ન હતો અને રેલ્વેએ નફો કર્યો હતો. તેમણે કહ્યું કે આ જ કારણે રેલવે મંત્રાલયે તમામ રેલ્વે કર્મચારીઓને બોનસ ચૂકવવા ઓક્ટોબરનાં પહેલા અઠવાડિયામાં નાણાં મંત્રાલયને ભલામણ મોકલી હતી.
છેલ્લા ચાર દાયકાથી, દુર્ગા પુજાના એક અઠવાડિયા પહેલા, કર્મચારીઓને બોનસ આપવામાં આવ્યું છે. મિશ્રાએ કહ્યું કે આ વર્ષે કેમ વિલંબ થાય છે? એક તરફ વડા પ્રધાન અને રેલ્વે મંત્રી રેલ્વે કર્મચારીઓના કામની પ્રશંસા કરી રહ્યા છે પરંતુ બીજી તરફ બોનસની ચુકવણી પ્રત્યે તેમનું વલણ અલગ છે.