મુંબઇ,
મહારાષ્ટ્રમાં ૧૦ વર્ષના બાળકને નાના-નાનીએ ચંપલ ના અપાવ્યા તો તેણે આત્મહત્યા કરી લીધી. આ ઘટના સોમવારે મહારાષ્ટ્રના બીડ જિલ્લામાં ઘટી છે. પોલીસે મંગળવારે ઘટનાની જાણકારી આપી છે. પોલીસે જણાવ્યું હતું કે, બાળક પોતાના નાના-નાની સાથે રહેતો હતો.
તેના માતા-પિતા નજીકના જ ગામમાં રહે છે અને બંને ખેતીનું કામ કરે છે. સોમવારે બાળકે નાના-નાનીને ચંપલ અપાવવા કહ્યું પરંતુ તેમણે ના પાડી હતી. બાદમાં બાળકે કહ્યું કે તે પોતાના મમ્મી-પપ્પાના ઘરે જઈ રહ્યો છે.ઘણા સમય સુધી તે પોતાના ઘરે પહોંચ્યો નહીં તેથી પોલીસમાં ફરિયાદ કરવામાં આવી. પોલીસે તપાસ શરૂ કરી તો બાળક તેના માતા-પિતાના ઘરે જવાના રસ્તામાં એક ઝાડ પર સાડીના ફંદામાં લટકેલો મળ્યો હતો. પોલીસે કેસ નોંધી લીધો છે અને સમગ્ર ઘટનાની આગળ તપાસ કરવામાં આવી રહી છે.