આણંદ,
આઝાદી બાદ પહેલીવાર અમૂલમાં ભાજપની સત્તા આવી છે. ભાજપે પહેલીવાર અમૂલમાં સત્તાનો સ્વાદ ચાખ્યો છે. આજે અમૂલની ચૂંટણીમાં ભાજપના ચેરમેન અને વાઈસ ચેરમેન નિમાયા છે. પીએમ મોદીના નેતૃત્વ અને સહકાર મંત્રી અમિત શાહની આગેવાનીમાં ડેરી પર ભાજપનો સંપૂર્ણ કબજો છવાયો. વિપુલ પટેલ નવા ચેરમેન અને કાન્તી સોઢા પરમાર વાઇસ ચેરમેન બન્યા છે.
છેલ્લા ૨૫ વર્ષથી દૂધિયા રાજકારણમાં દબદબો ધરાવતા રામસિંહ પરમારનું એક હથ્થું શાસન આજે ભાજપે પુરું કરી દીધું છે. રામસિંહ પરમાર માટે હવે સહકારી ક્ષેત્રનો રસ્તો બંધ થઈ ગયો છે. રામસિંહે દીકરા યોગેન્દ્રને ધારાસભ્ય બનાવી લીધો પણ સહકાર ક્ષેત્રનું રાજકારણ પુરું કરી દીધું છે. રામસિંહ પરમાર ભાજપમાં હોવા છતાં સ્થાનિક સંગઠનને ક્યાં વાંકું પડ્યું એ હાલમાં સૌથી ચર્ચા તો સવાલ છે. આજે અમૂલની ચૂંટણી પહેલાં ભાજપે મોટો ખેલ પાડીને ૩ સહકારી ડિરેક્ટરોને ભાજપમાં જોડ્યા છે. ૩ દિવસ પહેલાં કમલમ ખાતે અમુલ ડેરીના ૩ ડિરેક્ટરે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના વરદ હસ્તે ખેસ અને ટોપી ધારણ કરી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. ગુજરાતના સહકારી ક્ષેત્રમાં કોંગ્રેસનો દબદબો હતો. જે દબદબાને અમિત શાહે એક્ટિવ થઈને હવે લગભગ પૂરો કરી દીધો છે ફેડરેશનમાં પણ મોટાભાગની ડેરીઓના ચેરમેન ભાજપ પ્રેરિત છે.
ગુજરાતના સહકારી રાજકારણમાં અમૂલ સંલગ્ન રાજકારણ સૌથી ટોચ પર હોય છે. દૂધિયું રાજકારણ એટલું ફેલાયેલું છે કે ગુજરાતના ૧૮ હજાર ગામડાઓને સીધી અસર કરે છે. કોંગ્રેસમાંથી આણંદના પૂર્વ ધારાસભ્ય કાંતિ સોઢા પરમારે વિધાનસભા ચૂંટણીમાં ભાજપ સામે કારમી હારના ૫૦ દિવસમાં કમલમ જઈને ખેસ પહેરી લેતાં સૌને આશ્ર્વર્ય થયું છે. હવે એમને સીધો લાભ મળ્યો છે. આજે ભાજપે એમને અમૂલના વાઈસ ચેરમેન જાહેર કર્યા છે. આ રાજરમત પાછળ દૂધનું સહકારી રાજકારણ જવાબદાર છે. એવું કહેવાય છે કે રામમિંહ પરમારને હવે રિપિટ કરવા ઈચ્છતું નથી. એટલા માટે વધુ એક કોંગ્રેસીને ભાજપમાં લવાયા છે. આ સંજોગોમાં આણંદ સંઘમાં રામ સિંહ પરમારનું જૂથ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ પરમાર સાથે ભળે છે કે કેમ એ સૌથી મોટો સવાલ હતો. હવે પાટીલે આ ખેલ પણ પૂરો કરી દીધો છે. હવે ભાજપે આઝાદી બાદ પ્રથમવાર કોંગ્રેસીઓને ભાજપમાં સામેલ કરીને અમૂલ પર કબજો જમાવ્યો છે.
અમૂલ ડેરીની સાથે આણંદ, ખેડા અને મહિસાગર જિલ્લાની ૧૮૧૫ દૂધમંડળીઓ સંકળાયેલી છે. જેમાં ૧૨૧૫ દૂધ મંડળીઓ સક્રિય છે. અંદાજે ૭,૫૩,૧૯૪ પશુપાલકોની માતૃસંસ્થા એ અમૂલ ડેરી કહેવાય છે. જેમાં ૬ લાખથી વધુ દૂધ ઉત્પાદકો સક્રિય છે. છેલ્લા ૨૫ વર્ષથી રામસિંહ પરમાર અમૂલ ડેરીમાં ડિરેક્ટર, ચેરમેન સહિત વિવિધ હોદ્દાઓ પર રહી ચૂક્યા છે. ૨ દાયકાથી વધુ સમય તેઓ અમૂલ ડેરીના ચેરમેન રહ્યાં છે. નોંધનીય છે કે, રામસિંહ પરમારે ૨૦૧૭ની વિધાનસભાની ચૂંટણી પહેલા ઠાસરાના ધારાસભ્ય પદેથી રાજીનામું આપીને પંજો પડતો મૂક્યો હતો. હવે ભાજપે અમૂલમાંથી કોંગ્રેસનું રાજકારણ પુરૂ કરી દીધું છે. અત્યારસુધી ભાજપ અને કોંગ્રેસ સામસામે હતા. ફેડરેશનના તમામ દૂધ સંઘોમાં હવે ભાજપનું શાસન છે. એક તબક્કે કોંગ્રેસનો દબદબો સહકાર પર હવે ગુજરાતમાં પ્રભુત્વ છે.
ગુજરાતમાં થોડા દિવસ પહેલાં જ કાંતિ સોઢા પરમાર કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાતા રામસિંહ પરમારની સત્તા જશેનું ફાયનલ થઈ ગયું હતું. આજે કાંતિ સોઢા પરમાર એ વાઈસ ચેરમેન બન્યા છે. જેઓ જોડાયા બાદ બીજા ૩ ડિરેક્ટરો ભાજપમાં જોડાયા છે. આમ ૧૫ ડિરેક્ટરોમાં ૧૩ ડિરેક્ટરો ભાજપના થતાં આજે થયેલી ચૂંટણીમાં ભાજપના વિપુલ પટેલ ચેરમેન બન્યા છે. રામસિંહ પરમાર ૨૫ વર્ષથી આ ડેરી પર એક હથ્થુ શાસન ચલાવતા હતા. જેમના ભાજપમાં જોડાવવા છતાં મૂળ કોંગ્રેસીનો થપ્પો હોવાથી ભાજપે એમને ઘરભેગા કરી દઈ વિપુલ પટેલ પર દાવ ખેલ્યો છે. કોંગ્રેસીઓને ટેકાને પગલે આઝાદી બાદ પ્રથમવાર અમૂલમાં ભાજપની સત્તા આવી છે. આમ સહકારી ક્ષેત્રમાંથી કોંગ્રેસનો એકઠો કાઢી નાખવાના મોદી અને અમિત શાહનું મુખ્ય લક્ષ ગુજરાત ભાજપે પુરૂ કરી દીધું છે.