સુરતમાં ત્રીજા માળેથી નીચે પટકાતાં મહિલાનું ઘટનાસ્થળે જ મોત,

સુરત,

સુરતના ડિંડોલી વિસ્તારમાં મહિલા ગેલરીમાં સાફ-સફાઈ કરતી વખતે નીચે પટકાઈ હોવાની ઘટના સામે આવી છે. બિલ્ડિંગમાં ત્રીજા માળે ગેલરીમાંથી મહિલા નીચે પટકાઈ હતી. એને લઇ મહિલાનું ઘટનાસ્થળે મોત નીપજ્યું છે. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગેલરીમાં સાફ-સફાઈ કરતી મહિલાઓ માટે આ ચેતવા જેવો કિસ્સો છે.

સુરતના ડિંડોલી વિસ્તારમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ડિંડોલી વિસ્તારમાં આવેલા ઉમિયા ફ્લેટ ના ત્રીજા માળેથી એક મહિલા અચાનક નીચે પટકાઈ છે. અંદાજે ૩૫થી ૪૦ વર્ષની મહિલા ભારતીબેન પટેલ બાલ્કનીમાંથી અચાનક નીચે પટકાયાં હતાં. ત્રીજા માળેથી પટકાતાં તેમનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું.

ઘટના અંગે ડિંડોલી પોલીસને જાણ કરવામાં આવી હતી. ત્યારે પોલીસ-તપાસમાં પરિવાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે વહેલી સવારે ભારતીબેન ફ્લેટમાં બાલ્કનીમાં સાફ-સફાઈ કરતાં હતાં. આ દરમિયાન બહારની તરફ સાફ-સફાઈ કરતી વખતે અચાનક સંતુલન ગુમાવતાં તેઓ ત્રીજા માળેથી નીચે પટકાયાં હતાં.

ભારતીબેન નીચે પટકાતાં તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં પણ લઈ ગયા હતા. જોકે ત્યાં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. આકસ્મિક બનેલી ઘટનામાં ભારતીબેનનું મોત નીપજતાં પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. જોકે ઘટના અંગે પરિવારનો સંપર્ક કરી પૂછવામાં આવતાં તેમણે આ અંગે કંઈ જ કહેવાનો ઇનકાર કરી દીધો હતો.

સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલા ઉમિયાનગર ફ્લેટ નં સ્/૨-૩૦૪ની બાલ્કનીમાંથી મહિલા નીચે પાર્કિંગમાં પટકાઈ હતી. બાલ્કનીમાં સાફ-સફાઈ કરતાં કરતાં અચાનક નીચે પટકાઈ હતી. ત્યારે આ સમગ્ર ઘટના ફ્લેટના પાર્કિંગમાં લગાવવામાં આવેલા સીસીટીમાં કેદ થઈ ગઈ હતી, જ્યાં મહિલા અચાનક નીચે પટકાઈ હોવાનું જોવા મળ્યું હતું. મહિલા ત્રીજા માળેથી પટકાતાં સોસાયટીમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી અને ફ્લેટ માંથી તમામ લોકો ભેગા થઈ ગયા હતા. ઘટના અંગે ડિંડોલી પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે ઘટનાસ્થળની તપાસ કરી હતી. ત્રીજા માળેથી પટકાઈને મોતને ભેટનારાં ભારતીબેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ મોકલી આપવામાં આવ્યો હતો. ઘટના અંગે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.