મુંબઇ,
જ્યારે ભારતમાં વિમેન્સ પ્રીમિયર લીગ મહિલા આઇપીએલની હરાજી ચાલી રહી હતી, ત્યારે પાકિસ્તાન સુપર લીગની ૨૦૨૩ સીઝન શરૂ થવાની હતી. મુલતાનના, મુલતાન ક્રિકેટ સ્ટેડિયમ ખાતે સોમવારની શરૂઆત ધમાકેદાર થઈ હતી કારણ કે સિઝનની પ્રથમ મેચ મુલતાન સુલ્તાન અને લાહોર કલંદર વચ્ચે રમાઈ રહી હતી. ત્યારે ફટાકડાના કારણે મોટી દુર્ઘટના ટળી હતી. આ અંગે કેટલાક લોકો સોશિયલ મીડિયા પર કહી રહ્યા છે કે ક્વોલીટી લડલાઈટ લગાવવાનો વેત નથી અને પોતાની લીગની સરખામણી આઇપીએલ સાથે કરો છો. ઉદ્ઘાટન સમારોહ દરમિયાન લડ લાઇટમાંથી આગ લાગી હતી. આ પછી સ્ટેડિયમમાં હંગામો મચી ગયો હતો. જેના કારણે મેચની શરૂઆત લગભગ ૩૦ મિનિટ મોડી થઈ હતી. આ કારણે પાકિસ્તાનનું આંતરરાષ્ટ્રીય સ્તરે ઘણું અપમાન થઈ રહ્યું છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. મેચની વાત કરીએ તો લાહોર કલંદર્સે રોમાંચક મુકાબલામાં મુલતાન સુલ્તાનને એક રનથી હરાવીને શાનદાર શરૂઆત કરી હતી.
મીડિયા અને સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, ૨૦૨૩ પીએસએલ સિઝનના ઓપનિંગ સેરેમની દરમિયાન ફટાકડા ફોડવાને કારણે આગ લાગી હતી. આગ ઓલવવા માટે ફાયર બ્રિગેડે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી, આગના કારણે ટોસ પહેલા ચિંતાજનક દ્રશ્યો સર્જાયા હતા. આ ઘટનામાં કોઈ જાનહાનિની માહિતી મળી નથી.
મુલતાન સુલ્તાનના કેપ્ટન મોહમ્મદ રિઝવાને ટોસ જીતીને લાહોરને પ્રથમ બેટિંગ કરવા કહ્યું હતું. ફખર ઝમાનની ૪૨ બોલમાં ૬૬ રનની શાનદાર ઇનિંગની મદદથી મુલાકાતી ટીમે છ વિકેટે ૧૭૫ રન બનાવ્યા હતા. જવાબમાં ઓપનર શાન મસૂદ અને રિઝવાને ૧૦૦ રનની ભાગીદારી નોંધાવતા મુલતાનની સારી શરૂઆત થઈ જો કે મિડલ ઓર્ડર કેપ્ટનને મદદ કરવામાં નિષ્ફળ રહ્યો હતો, આખરે કેપ્ટન ૫૦ બોલમાં ૭૫ રન બનાવીને આઉટ થયો. જો કે, યજમાન મુલ્તાન અચાનક ૩ વિકેટના પતન સાથે મોમેન્ટમ ગુમાવી દીધું હતું અને એક રનથી હારી ગયું હતું.
મુલતાન સુલ્તાન્સનો આગામી મુકાબલો બુધવારે સાંજે ક્વેટા ગ્લેડીયેટર્સ સામે થશે. જ્યારે લાહોર કલંદર રવિવારે કરાચી કિંગ્સ સામે ટકરાશે. લાહોરના કેપ્ટન શાહીન આફ્રિદીએ કહ્યું- આ સારી શરૂઆત હતી. અમારી પાસે બોલર માટે ઘણા વિકલ્પો છે. ઝમાન જે રીતે મેચને સમાપ્ત કરે છે તે આશ્ર્ચર્યજનક છે. ટીમને સંદેશ હતો કે એક વિકેટ લેવાથી અમે મેચમાં પરત ફરીશુ.