ગોધરા,
સરકાર દ્વારા શહેરી વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળના લાભાર્થીને 6 હપ્તા પેટે રૂ.3.50 લાખની સહાય ચુકવવામાં આવે છે. ગોધરા શહેરના વિસ્તારમાં યોજનાનો લાભ લેવા લાભાર્થીએ નગરપાલિકામાં અરજી કરવાની હોય છે. ગોધરા પાલિકામાં અત્યાર સુધી પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 824 લાભાર્થીઓની અરજીઓ મંજુર કરવામાં આવી છે. જેમાંથી 586 લાભાર્થીઓ પૈકી 496 લાભાર્થીઓએ બાંધકામ પુર્ણ કરી દીધુ છે. તેમજ 217 લાભાર્થીઓ એવા પણ છે કે તેઓને યોજનાનો લાભ લેવા ફાઈલ મુકીને મંજુરી મળી ગઈ હોવા છતાં તેઓએ જાતે પોતાની સહાય કેન્સલ કરાવી દીધી છે. જયારે ગોધરા શહેરી વિસ્તારના 28 લાભાર્થીઓની સહાય મંજુર થઈ હતી. તેઓને મંજુરી મળ્યાના 45 દિવસમાં બાંધકામ શરૂ કરીને 9 માસમાં બાંધકામ પુર્ણ કરવાનુ હતુ પરંતુ આ 28 લાભાર્થીઓએ બાંધકામનુ કામ ચાલુ કર્યુ ન હોવાનુ જાણવા મળતા પાલિકાએ આવા લાભાર્થીઓને નોટિસ આપી હતી. નોટિસ આપવા છતાં લાભાર્થીઓએ કામ ચાલુ ન કરતા પાલિકાએ બોર્ડમાંથી મંજુરી મેળવીને ગોધરા શહેરના 28 લાભાર્થીઓની સહાય રદ્દ કરી દીધી હતી.