કેસુડાના કેસરીયા માહોલ વગર ધુળેટી અધુરી, ખાનપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારના જંગલોમાં ખાખરાના વૃક્ષ પર કેસુડાના ફૂલો ખીલી ઉઠ્યાં

ખાનપુર,

હોળીનો તહેવાર નજીક આવતા ખાખરાના વૃક્ષો પર ફૂલો ખીલવા માંડે છે. જેના કારણે પ્રાકૃતિક સૌંદર્ય ખીલી ઊઠે છે. હાલ બજારમાં મળતા વિવિધ રંગો સાથે એક સમય એવો હતો કે કેસુડાનાં ફુલોના રંગ વડે હોળી ધુળેટીનો તહેવાર રમાતો હતો. કેસુડાના ફૂલો આર્યુવેદિક દ્વષ્ટિએ શરીર માટે ગુણકારી છે. ત્યારે ખાનપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વૃક્ષો ઉપર ઠેર ઠેર કેસુડાના ફૂલો મહેંકી રહ્યા છે. ગ્રામ્ય વિસ્તારોમાં ચારે બાજુ કેસુડાના ફૂલો ખીલેલાં જોવા મળે છે. જેના કારણે વન વગડામાં અને ખેતરોના શેઢા પર ઉપર કેસુડાના ફૂલોથી સુંદરતામાં વધારો થયો છે. જયારે આ વિસ્તારના રસ્તાઓ પર આ મનમોહક દ્રશ્યો જોવા ઉભા રહેવાનું મન થાય છે.