જયપુર,
રાજસ્થાનના દૌસામાં દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર એક મોટો માર્ગ અકસ્માત સામે આવ્યો છે, જ્યાં જુગાડ વાહન અને કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ અકસ્માતમાં બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. જણાવી દઈએ કે એક્સપ્રેસ વે ખોલવાના પહેલા જ દિવસે આ અકસ્માત થયો છે. રવિવારે જ પીએમ મોદીએ દૌસાના ધનવડમાં દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વેનું રિબન કાપ્યું હતું, જેને દુનિયાનો સૌથી આધુનિક ટેક્નોલોજી હાઈવે ગણાવવામાં આવી રહ્યો હતો. સાથે જ આ હાઈવે પર ૧૫૦ કિમીની ઝડપે વાહનો દોડાવી શકાશે. જોકે હાઇવે પર સ્પીડ લિમિટ ૧૨૦ કિમી નક્કી કરવામાં આવી છે. ત્યારે આ અકસ્માત બાદ સવાલ ઉઠી રહ્યો છે કે જુગાડ કાર એક્સપ્રેસ વે પર કેવી રીતે પહોંચી? જો કે, માહિતી સામે આવી છે કે હાઇવે પર ટોલ બૂથ ઉપલબ્ધ ન હોવાને કારણે જુગાડ વાહન ત્યાં પહોંચ્યું હતું જે પછી તે એક કાર સાથે અથડાયું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજસ્થાનના દૌસા પહોંચ્યા બાદ રવિવારે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વેના સોહના-દૌસા સેક્શનનું ઉદ્ઘાટન કર્યું હતું. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે આજે મને દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવેના પ્રથમ તબક્કાને રાષ્ટ્રને સમપત કરતાં ખૂબ જ ગર્વ છે. તે દેશના સૌથી મોટા અને સૌથી આધુનિક એક્સપ્રેસવેમાંથી એક છે.
જણાવી દઈએ કે ૨૪૬ કિલોમીટર લાંબો દિલ્હી-દૌસા-લાલસોટ સેક્શન ૧૨,૧૫૦ કરોડ રૂપિયાથી વધુના ખર્ચે બનાવવામાં આવ્યો છે અને આ હાઈવેના ખુલવાથી દિલ્હીથી જયપુર સુધીનો મુસાફરીનો સમય ૫ કલાકથી ઘટીને ૩ કલાક થઈ જશે. દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે ૧,૩૮૬ કિલોમીટરની લંબાઈ સાથે ભારતનો સૌથી લાંબો એક્સપ્રેસવે હશે. દિલ્હી અને મુંબઈ વચ્ચેની મુસાફરીનું અંતર ૧,૪૨૪ કિલોમીટરથી ઘટીને ૧,૨૪૨ કિલોમીટર થઈ જશે અને મુસાફરીનો સમય ૨૪ કલાકથી ૫૦ ટકા ઘટીને ૧૨ કલાક થઈ જશે.
આ એક્સપ્રેસ વે પર તમે તમારી કારને ૧૨૦ની સ્પીડથી ચલાવી શકો છો, જ્યાં પહેલા દિલ્હીથી મુંબઈની મુસાફરીમાં ૨૪ કલાકનો સમય લાગતો હતો, પરંતુ આ એક્સપ્રેસ વે ખુલ્યા બાદ તમે આ અંતર માત્ર ૧૨માં જ કાપી શકશો. આ સાથે, દિલ્હી-મુંબઈ મેગા એક્સપ્રેસ વે દ્વારા દિલ્હીથી જયપુરની મુસાફરી હવે માત્ર બે કલાકમાં પૂર્ણ થશે.
તમને જણાવી દઈએ કે, આ મેગા એક્સપ્રેસ વેનો શિલાન્યાસ વર્ષ ૨૦૧૮માં કરવામાં આવ્યો હતો, ત્યારબાદ રાજસ્થાનના સોહનાથી દૌસા સુધીના ૨૨૫ કિલોમીટરનું કામ પ્રથમ તબક્કામાં પૂર્ણ કરવામાં આવ્યું છે.