નવીદિલ્હી,
બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ભારતની ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી ટેસ્ટ, જે મૂળ ૧લી થી ૫મી માર્ચ દરમિયાન સ્ટેડિયમ, ધર્મશાલા ખાતે યોજાવાની હતી, તેને હવે હોલકર સ્ટેડિયમ, ઈન્દોરમાં ખસેડવામાં આવી છે. બીસીસીઆઈએ સ્થળ બદલવાનું એક કારણ કઠોર શિયાળાની સ્થિતિને ટાંક્યું છે અને જણાવ્યું છે કેહિમાચલ પ્રદેશમાં શિયાળાની કઠોર પરિસ્થિતિઓને કારણે, આઉટફિલ્ડમાં ઘાસની પૂરતી ઘનતા નથી અને તેને સંપૂર્ણ રીતે વિકસિત થવામાં થોડો સમય લાગશે.
ઉલ્લેખનીય છે કે એચપીસીએ સ્ટેડિયમ, વિશ્ર્વ ક્રિકેટના સૌથી મનોહર સ્થળોમાંનું એક છે. ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે ૨૦૧૭માં માત્ર એક જ ટેસ્ટનું અહી આયોજન કરવામાં આવ્યું હતું. જોકે, આ સ્ટેડિયમમાં નિયમિતપણે ટી ૨૦ અને વનડેનું આયોજન કરવામાં આવે છે. એચપીસીએ સ્થાનિક હવામાન પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને સમગ્ર આઉટફિલ્ડને રિલે કરવાની યોજના બનાવી હતી. ચોમાસા પછી રિલેઈંગનું કામ શરૂ થયું હતું. સામાન્ય રીતે, જ્યારે પિચ અને આઉટફિલ્ડને રિલેઇડ કરવામાં આવે છે, ત્યારે સામાન્ય પ્રથા એ છે કે મેચ દરમિયાન તેનું પરીક્ષણ કરવું. પરંતુ હજુ સુધી એવું થયું નથી, એમ એક અધિકારીએ જણાવ્યું હતું. રણજી ટ્રોફી સીઝન દરમિયાન, હિમાચલે તેમની ઘરેલું મેચો નાદૌન ખાતે રમી હતી, કારણ કે ધર્મશાલામાં કામ ચાલુ હતું. ભારતે નાગપુરમાં પ્રથમ ટેસ્ટ ઇનિંગ્સ અને ૧૩૨ રને જીતી લીધી હતી. ચારમાંથી બીજી ટેસ્ટ આગામી શુક્રવારથી નવી દિલ્હીમાં શરૂ થશે .