
કહરામનમારસ,
તુર્કીમાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા છે. રિએક્ટર સ્કેલ પર તેની તીવ્રતા ૪.૭ માપવામાં આવી છે યુએસજીએસ મુજબ, ભૂકંપ તુર્કીના કહરામનમારસથી ૨૪ કિમી દક્ષિણ-દક્ષિણ-પૂર્વ દૂર આવ્યો હતો. જણાવી દઈએ કે તુર્કી પહેલાથી જ ભૂકંપનો સામનો કરી રહ્યું છે. ગયા સોમવારે આવેલા ત્રણ અલગ-અલગ શક્તિશાળી ભૂકંપોએ તુર્કીમાં તબાહી મચાવી હતી.
શહેરોના શહેરો ખંડેર બની ગયા. હજારો ઈમારતો ધરાશાયી થઈ. તુર્કીમાં આવેલા તીવ્ર ભૂકંપના કારણે અત્યાર સુધીમાં ૨૯,૦૦૦થી વધુ લોકોના મોત થયા છે. બીજી તરફ, જો આપણે સીરિયાની વાત કરીએ તો અહીં મૃત્યુઆંક ૪,૫૦૦ છે. એટલે કે તુર્કી અને સીરિયામાં ભૂકંપના કારણે કુલ મળીને ૩૪ હજાર લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે ૯૨,૬૦૦થી વધુ લોકો ઘાયલ થયા છે. બચાવ કાર્ય હજુ પણ ચાલુ છે. કાટમાળ નીચે દટાયેલા લોકોને બચાવવા માટે બચાવર્ક્તા છેલ્લા પાંચ દિવસથી કડકડતી ઠંડીમાં સતત કામ કરી રહ્યા છે. તુર્કીમાં આવેલા વિનાશક ભૂકંપના છ દિવસ બાદ બચાવર્ક્તાઓએ સગર્ભા સ્ત્રીઅને બે બાળકો સહિત કેટલાક બચી ગયેલા લોકોને ઇમારતોના કાટમાળમાંથી બહાર કાઢ્યા હતા.
બીજી તરફ, તુર્કીના ન્યાય અધિકારીઓ ગેરકાયદે બાંધકામ પ્રવૃત્તિઓમાં કથિત રીતે સામેલ ૧૩૦ થી વધુ લોકોની તપાસ કરી રહ્યા છે. તુર્કીના ન્યાય પ્રધાન બેકિર બોઝદાગે રવિવારે જણાવ્યું હતું કે ભૂકંપમાં ધરાશાયી થયેલી ઇમારતોના નિર્માણમાં કથિત જવાબદારી માટે ૧૩૪ લોકોની તપાસ કરવામાં આવી રહી છે, તુર્કીની રાજ્ય સમાચાર એજન્સી અનાદોલુએ અહેવાલ આપ્યો છે.ભારત સહિત દુનિયાભરના દેશો તુર્કી અને સીરિયાને મદદ કરી રહ્યા છે. દવાઓથી લઈને રાહત સામગ્રી ત્યાં મોકલવામાં આવી રહી છે. ભારતે શનિવારે તુર્કી અને સીરિયાને વધુ રાહત સામગ્રી મોકલી હતી. આ સિવાય બીજા ઘણા દેશો પણ બંને દેશોને મદદ કરી રહ્યા છે.